- તબીબ પતિએ પત્નીના માથાનું સિંદૂર ભૂસીને કહ્યું- `હવે તું મારી પત્ની નથી'
વડોદરામાં પત્નીને પિયરમાં મૂકી તેના માથાનું સિંદૂર ભૂસી નાખી પતિએ કહ્યું હતું કે હવે, તું મારી પત્ની નથી. તારે મારી સાથે રહેવું હોય તો દહેજ પેટે 10 લાખ રૂપિયા લઈ આવજે. તેમ કહીને શારીરિક એને માનસિક ત્રાસ આપનાર તબીબ પતિ તથા સાસુ-સસરા વિરૂદ્ધ પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરમાં રહેતી 31 વર્ષીય યુવતી આણંદ સ્થિત કોલેજમાં અભ્યાસ કરે છે. તેણે ફરિયાદમાં કહ્યું હતું કે, વર્ષ 2015 દરમિયાન મારા પ્રેમલગ્ન વ્યવસાયે તબીબ આનંદ વ્રજલાલ નાગર (રહે. પંચમવિલા ડુપ્લેકસ, આજવા રોડ) સાથે થયા હતા. સાસુ-સસરાની ચડામણીથી પતિનું વર્તન બદલાઇ ગયું હતું. સાસુ-સસરા મારા માતા-પિતા પાસે નવું દવાખાનું ખોલવા માટે દહેજ પેટે 10 લાખની માંગણી કરતા હતા.
મારો પતિ નજીવી વાતે અપશબ્દો બોલીને મને માર મારતો હતો. એક વખત ઝઘડો થતાં મારા કપડાની બેગ સાથે મને મારા માતા-પિતાના ઘરની બહાર મૂકી પતિએ મારા માથાનું સિંદૂર ભૂસી કહ્યું હતું કે, હવે તું મારી પત્ની નથી, તારે મારા ઘરે રહેવા આવવું હોય તો દહેજ પેટે 10 લાખ લઈને આવજે. ત્યારબાદ દીકરીને લેવા માટે પતિ પિયરમાં ઘસી આવી મને લાફા માર્યા હતા.
પરિણીતાએ પતિ આંનદ નગર, સસરા વ્રજલાલ નગર અને સાસુ જયશ્રીબેન નગર સામે બપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બાપોદ પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.