પત્નીનું માથું દીવાલમાં અથડાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા પતિ વિરુદ્ધ ફરિયાદ

વાઘોડિયા રોડ પર રહેતી પરિણીતાએ પતિના ત્રાસથી કંટાળી પિયરમાં રહેતી હતી

MailVadodara.com - Complaint-filed-against-husband-for-threatening-to-kill-wife-by-banging-her-head-against-wall

- પતિ ઝઘડો કરી ત્રાસ આપતા પત્નીએ 2014માં નોંધાવેલી ફરિયાદમાં સમાધાન થતાં કેસ પાછો ખેંચ્યો હતો, જોકે છ મહિના બાદ ત્રાસ આપતા પરિણીતા પિયર જતી રહી હતી

બ્યુટી પાર્લરની દિવાલમાં પત્નીનું માથુ ભટકાવી પતિએ હાથ પર બચકું ભરી ઇજા પહોંચાડી

વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર રહેતી પરિણીતા પતિના ત્રાસથી કંટાળી પિયરમાં રહેવા જતી રહી હતી અને ફરિયાદ પણ નોંધાવી હતી જેનો કોર્ટ કેસ ચાલી રહ્યો છે. તેમ છતાં તેના પતિએ બ્યુટી પાર્લરમાં આવી પત્ની સાથે ઝઘડો કરી તેનું માથું દીવાલમાં અથાડી માર મારીને બચકું પણ ભરી લીધું હતું. પરિણીતાએ બુમાબુમ કરતા પાર્લરનો સ્ટાફ તથા આસપાસના લોકો ભેગા થઈ જતા પતિ ભાગી ગયો હતો. જેથી મહિલાએ પતિ વિરુદ્ધ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર કલાદર્શન પાસે રમાનગરમાં રહેતા દિવ્યાબેન વિશ્વાસભાઇ પંચાલે ફરિયાદ નોંધાવી છે કે, આજવા રોડ ખાતે બ્યુટી પાર્લર ચલાવુ છું. મેં વર્ષ 2009માં કોર્ટ મેરેજ કર્યા હતા અને અમારે સંતાનમાં એક દીકરી 13 વર્ષની છે. છેલ્લા 4 વર્ષથી અમારે પતિ-પત્ની વચ્ચે નાના-મોટા ઝઘડા થતા હોય અને મારો પતિ વિશ્વાસ મને ત્રાસ આપતો હતો, જેથી હું મારા પિયરમાં મારા પિતાના ઘરે આવી ગઈ હતી અને અહીં પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે વર્ષ 2014માં તેના વિરુદ્ધમાં ફરિયાદ આપી હતી, જેથી મારા પતિએ મને કહેલું કે, હવે ઝઘડો કરીશ નહીં જેથી મે આ કેસમાં સમાધાન કરી લીધું હતું. ત્યારબાદ વર્ષ 2023માં હું મારી સાસરીમાં પતિ સાથે રહેવા જતી રહી હતી અને થોડો સમય સારું રાખીને 6 મહિનામાં ફરીવાર આ મારો પતિ વિશ્વાસ મને અવાર નવાર ત્રાસ આપીને ઝધડો કરવા લાગતા પિયરમાં રહેવા માટે આવીને ફરિવાર મેં મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે જેનો કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.

3 માર્ચના રોજ બપોરના હું મારા બ્યુટી પાર્લર ખાતે ગઈ હતી. ત્યારે મારો પતિ વિશ્વાસ તથા તેનો મીત્ર હિરેન શાહ મારા બ્યુટી પાર્લર ખાતે આવ્યા હતા અને મારા પતિએ રૂમમાં આવીને દરવાજો બંધ કરી દીધો હતો અને મારી સાથે ઝઘડો કરી મારું માથું પકડીને દીવાલ સાથે ભટકાવીને હાથ પર બચકુ ભરી ઇજા કરી હતી. તે જે કેસ કર્યો છે તેમાં હું પૈસા આપવાનો નથી તેમ કહીને મને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મેં બુમાબુમ કરતા મારા પાર્લરનો સ્ટાફ તથા આજુબાજુના લોકો આવી જતા વિશ્વાસ ત્યાંથી ભાગી ગયો હતો. બાપોદ પોલીસે મહિલાની ફરિયાદના આધારે તેના પતિ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments