- ચકચારી બનાવમાં મંદિરના વહીવટ કરતા 5 સાધુઓએ પૂરાવાનો નાશ કર્યો હતો, હરિધામના 5 સંતો સામે ફરિયાદ નોંધાતા હરિભક્તોમાં ચકચાર
શહેર પાસે આવેલા સોખડામાં યોગી ડિવાઇન સોસાયટીનું સ્વામિનારાયણ મંદિર આવેલું છે. જે હરિધામ સોખડા તરીકે જાણીતું છે. બે વર્ષ પૂર્વે મંદિરમાં એક સાધુએ ફાંસો ખાઇ લીધો હતો. આ ચકચારી બનાવમાં મંદિરના વહીવટ કરતા 5 સાધુઓએ પૂરાવાનો નાશ કર્યો હતો અને આપઘાતના બનાવને કુદરતી મોતમાં ખપાવવાનુ કૃત્ય આચર્યું હોવાનું તપાસમાં બહાર આવતાં તમામ 5 સાધુઓ સામે મંજુસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે. હરિધામના 5 સંતો સામે ફરિયાદ નોંધાતા હરિભક્તોમાં ચકચાર મચી ગઈ છે.
આ બનાવની વિગત એવી છે કે, 27, એપ્રિલ 2022ના રોજ સોખડા સ્વામિનારાયણ મંદિર ખાતે સાધુ તરીકે સેવા આપતા ગુણાતીત ચરણદાસ સ્વામીએ પોતાના રૂમમાં ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ વાતની જાણ કિશોરભાઇ નારણભાઇ ત્રાંગડિયા (રહે. વંથલી, જુનાગઢ), સાધુ હરિપ્રકાશદાસ ગુરૂ હરિપ્રસાદજી (રહે. યોગી આશ્રમ, સોખડા), સાધુ પ્રભુપ્રિયદાસ ગુરૂ હરિપ્રસાદજી (રહે. સોખડા શ્રી અક્ષરપુરૂષોત્તમ સ્વામિનારાયણ મંદિર, વડોદરા), સાધુ જ્ઞાનસ્વરૂપદાસ ગુરૂ હરિપ્રસાદજી (રહે. યોગી આશ્રમ, સોખડા, શ્રી અક્ષરપુરૂષોત્તમ સ્વામિનારાયણ મંદિર), સાધુ ત્યાગવલ્લભદાસ સ્વામી ગુરૂ હરિપ્રસાદ સ્વામી (રહે. યોગી આશ્રમ, સોખડા, શ્રી અક્ષરપુરૂષોત્તમ સ્વામીનારાયણ મંદિર)ને હતી.
જો કે, તમામે મળીને હકિકત છુપાવીને ગળેફાંસાને લાગતા પૂરાવા જેમ કે, હૂક અને ગાતડિયું અન્યત્રે ખસેડી દીધું હતું. આ વખતે ગુણાતીત ચરણદાસ સ્વામીએ આત્મહત્યા કરી હોવાની વાત છૂપાવી હતી અને તેઓનું મોત કુદરતી રીતે નિપજ્યું હોવાનું કથન ચાલુ રાખીને એકબીજાની મદદગારી કરી હતી. આખરે આ મામલો બે વર્ષ બાદ મંજુસર પોલીસ મથકમાં પહોંચ્યો છે.
ફરિયાદી હસમુખભાઇ મોહનલાલ ત્રાંગડિયા (રહે. સાંઇ કિરણ બિલ્ડિંગ, રેલવે સ્ટેશન સામે. મુંબઈ) (મૂળ રહે. જુમા મસ્જિદની બાજુમાં, વંથલી, જુનાગઢ) દ્વારા કિશોરભાઇ નારણભાઇ ત્રાંગડિયા (રહે. વંથલી, જુનાગઢ), સાધુ હરિપ્રકાશદાસ ગુરૂ હરિપ્રસાદજી (રહે. યોગી આશ્રમ, સોખડા), સાધુ પ્રભુપ્રિયદાસ ગુરૂ હરિપ્રસાદજી (રહે. સોખડા શ્રી અક્ષરપુરૂષોત્તમ સ્વામિનારાયણ મંદિર, વડોદરા), સાધુ જ્ઞાનસ્વરૂપદાસ ગુરૂ હરિપ્રસાદજી (રહે. યોગી આશ્રમ, સોખડા, અક્ષરપુરૂષોત્તમ સ્વામિનારાયણ મંદિર), સાધુ ત્યાગવલ્લભદાસ સ્વામી ગુરૂ હરિપ્રસાદ સ્વામી (રહે. યોગી આશ્રમ, સોખડા, અક્ષરપુરૂષોત્તમ સ્વામિનારાયણ મંદિર) વિરૂદ્ધ મંજુસર પોલીસ મથકમાં નોન કોગ્નિઝેબલ ફરિયાદ નોંધ કરાવવામાં આવી છે. જે બાદ આ મામલાની તલસ્પર્શી તપાસ મંજુસર પોલીસ મથકના પીઆઇ વી. એમ. ટાંકને સોંપવામાં આવી છે.