- આસપાસના લોકો ભેગા થઈ જતા આરોપીઓ મોટર સાઇકલ પર ભાગી ગયા
શહેરના માંજલપુર અવધૂત ફાટક પાસેથી એકટીવા લઈને જતી મહિલા પર જુના ઝઘડાની અદાવત રાખીને હુમલો કરી પેટ્રોલ નાખી સળગાવી દેવાની કોશિશ કરતા બે ભાઈઓ સામે માંજલપુર પોલીસે ગુનો દાખલ કર્યો છે.
વડોદરા શહેરના માંજલપુર અલવાનાકા પાસે રહેતા મીઠીલેશબેન સોલંકી વિશ્વામિત્રી રોડ પર ચશ્માની લારી ચલાવે છે. તેમણે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઈકાલે રાતે હું મારી દીકરીને સયાજીગંજ નોકરી પરથી પરત લેવા માટે એકટીવા લઈને નીકળી હતી. મારી સાથે મારા નણંદનો છોકરો પણ હતો. તે સમયે રાત્રે 10:45 વાગે લક્ષ્મીનારાયણ મંદિર અવધૂત ફાટક રોડ પાસે એક મોટર સાયકલ પર આરોપીઓ રામ પનાર તથા તેનો ભાઈ લક્ષ્મણ પનાર મોંઢા પર રૂમાલ બાંધી આવ્યા હતા. તેઓએ મારી એકટીવા ઊભી રાખી મારી સાથે ઝઘડો કરી મારી એકટીવા પર લાકડીના બે ત્રણ ફટકા મારતા મારું બેલેન્સ નહીં રહેતા હું નીચે પડી ગઈ હતી. રામ પનારે એકદમ તેની પાસેની બોટલમાંથી પેટ્રોલ કાઢી મારા કપડાં પર નાખી દીધું હતું અને કહ્યું હતું કે, આજે તને સળગાવીને મારી નાખવાની છે. મેં મોબાઈલ વડે પોલીસને ફોન કરવા જતા લક્ષ્મણ પનારે મારા હાથમાંથી મોબાઈલ ફોન લઇ ફેંકી દેતાં તૂટી ગયો હતો. આ દરમિયાન આસપાસના લોકો ભેગા થઈ જતા આરોપીઓ ભાગી ગયા હતા.