- જમીન પર કબજો કરવા આરોપીઓએ જમીન માલિકોના નામની સામે ખોટા ફોટા ચોંટાડી બનાવટી પાવર ઓફ એટર્ની તૈયાર કર્યું હતું
વડોદરા શહેરના આજવા રોડ પર આવેલી જમીનમાં ગેરકાયદે કબજો કરવાનો પ્રયાસ કરનાર ત્રણ આરોપી સામે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જમીન માલિકોના નામની સામે ખોટા ફોટા ચોટાડી બનાવટી પાવર ઓફ એટર્ની તૈયાર કર્યું હતું. બાપોદ પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ અંબાબાલ પાર્ક ચાર રસ્તા પાસે આવેલ ઇશ્વરશાંતિ સોસાયટીમાં રહેતા સંજયભાઇ ઇશ્વરભાઇ પટેલે બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું કોંગ્રેસ પક્ષમાં સામાજિક કાર્યકર તરીકે કામ કરું છું. અમારા પરિવારની સહિયારી જમીન સરધાર એસ્ટેટ પાછળ પરિમલ સોસાયટી પાસે આવેલી છે. વર્ષ 2020માં આ જમીનમાં ભરત ભરવાડ તથા અર્જુન ભરવાડે ગેરકાયદે કબજો કરવાનો પ્રયત્ન કર્યો હતો. જેની પોલીસ કમિશનરને અરજી આપતા તેઓ ખસી ગયા હતા. ત્યારબાદ વર્ષ 2023માં જમીનને ફેન્સીંગ કરેલું હોવા છતાં મુકેશ રત્ના ભરવાડ જમીનમાં ગેરકાયદે કબજો કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી, તેમણે મુકેશ ભુવન તથા ભરત ભરવાડ વિરુદ્ધ જમીનનો કબજો કર્યાની અરજી આપી હતી. અમારી જમીન હોવા છતાં મુકેશ ભરવાડે સિવિલ કોર્ટમાં દાવો કર્યો છે.
અમારી જમીન પર કબજો કરવા માટે વર્ષ-2020માં ખોટું અને બનાવટી પાવર ઓફ એટર્ની તૈયાર કરી માલિકોના નામની સામે ખોટા-ખોટા ફોટા ચોટાડી કોર્ટમાં રજૂ કર્યો હતો. જેથી સંજયભાઈ ઈશ્વરભાઈ પટેલે ગેરકાયદે કબજો કરવાનો પ્રયાસ કરનાર મુકેશ રત્નાકર ભરવાડ, ભરત શાંતિલાલ અને જીગ્નેશ પ્રેમજી રાઠોડ વિરુદ્ધ બાબત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.