- એકનો એક દીકરો જેલમાં હોય, માતા સાવલી કોર્ટની પાછળ રડી રહ્યા હતા ત્યારે ઠગે 15 દિવસમાં પુત્રને જેલમાંથી છોડાવી આપવાની લાલચ આપી હતી
- પુત્રને જેલમાં છોડાવવા લીધેલી લોનમાં પૂરતી રકમ ન થતાં માતાએ કાનના સોનાના ઝુમ્મર વેચીને નાણાં ભેગા કરી ઠગ પ્રિતેશ મહેતાને આપ્યા
સગીરાને ભગાડી જવાના ગુનામાં જેલમાં દિવસો પસાર કરી રહેલા દીકરાને જેલમાંથી છોડાવી આપવાનું જણાવી રૂપિયા 4.50 લાખ પડાવનાર ઠગ સામે ફરિયાદ નોંધાઇ છે. માતાએ પોતાના દીકરાને જેલમાંથી બહાર લાવવા માટે લોન લીધી હતી અને કાનના સોનાના ઝુમ્મર વેચીને રૂપિયા ભેગા કર્યા હતા. સાવલી કોર્ટની બહાર ફરતા ઠગો પૈકી એક ઠગનો ભોગ બનેલી મહિલાની ફરિયાદના આધારે સાવલી ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે, વાઘોડિયા છાત્રાલય ફળિયામાં જયોત્સનાબેન દિલીપભાઇ બારીયા રહે છે. તેમના પતિના અવસાન બાદ પુત્ર અરૂણ સાથે રહે છે. અને છેલ્લા ત્રણ વર્ષથી વાઘોડિયા જીઆઇડીસીમાં આવેલી ખાનગી કંપનીમાં નોકરી કરે છે. અને ગુજરાન ચલાવે છે. જ્યોત્સનાબેનના પુત્ર અરૂણ સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. આ ગુનાની ફરિયાદ વાઘોડિયા પોલીસ મથકમાં નોંધાઈ હતી. જે ગુનામાં તે સેન્ટ્રલ જેલમાં દિવસો પસાર કરી રહ્યો છે. તા. 21-9-024ના રોજ તે પેરોલ ઉપર છૂટ્યો હતો અને આ કેસ સાવલી કોર્ટમાં હજુ ચાલુ છે અને તેની મુદ્દતો પડે છે. જ્યોત્સનાબેન પુત્રની સાવલી કોર્ટમાં મુદ્દત હોવાથી જુલાઈ માસમાં સાવલી ગયા હતાં. અરૂણ તે સમયે જેલમાં હોય અને તે પણ સરકારી ગાડીમાં પોલીસ માણસો સાથે સાવલી કોર્ટમાં આવતો હતો. એકનો એક દીકરો જેલમાં હોય, માતા સાવલી કોર્ટમાં પાછળના ભાગે બેઠા હતા અને રડી રહ્યા હતા. તે દરમિયાન એક માણસ તેમની પાસે ગયો હતો અને રડવાનું કારણ પૂછ્યું હતું.
જ્યોત્સનાબેને દીકરો જેલમાં હોવાની અજાણ્યા વ્યક્તિને જાણ કરી હતી. અજાણી વ્યક્તિએ પોતાની ઓળખ પ્રિતેશ મહેતા તરીકે અને સાવલીમાં મહાકાળી હોટલ ધરાવતા હોવાનું જણાવ્યું હતું. દીકરાને જેલમાંથી છોડાવવા માટે લાચાર માતાનો લાભ લઈને ભેજાબાજે કોર્ટમાં પોતાની ઓળખાણ છે. 15 દિવસમાં પુત્રને જેલમાંથી છોડાવી આપવાની લાલચ આપી હતી અને તેના માટે રૂપિયા 4.50 લાખ પડાવ્યા હતા.
દીકરાને જેલમાંથી છોડાવવા માતાએ પોતાના ભાઈની મદદથી લોન લીધી હતી. પરંતુ, પૂરતી રકમ ન થતાં પોતાના કાનના સોનાના ઝુમ્મર વેચીને નાણાં ભેગા કરી ઠગ પ્રિતેશ મહેતાને આપ્યા હતાં. દિવસો પસાર થતા ગયા પરંતુ દીકરો જેલમાંથી બહાર ન હતો. આથી ઠગ પ્રિતેશ મહેતાને પુત્ર બાબતે પૂછતાં તે જણાવતો હતો કે, જામીન અરજી મુકી છે. પરંતુ, માતાને પ્રિતેશ ઉપર શંકા જતાં તેઓએ પોતાના વકીલને પૂછતાં તેઓએ કોઈ જામીન અરજી મુકી નથી તેમ જણાવ્યું હતું. આ દરમિયાન જ્યોત્સનાબેન બારીયાએ ઠગ પ્રિતેશને પુત્ર બાબતે પૂછતાં તેઓએ પુત્રને જેલમાંથી બહાર આવવા દઇશ નહીં તેવી ધમકી આપવાનું શરૂ કર્યું હતું. આથી જ્યોત્સનાબેન બારીયાએ પ્રિતેશ સામે સાવલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે છેતરપિંડી, વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.