વડોદરામાં 100 કરોડની સરકારી જમીનનું કૌભાંડ આચરનાર સંજયસિંહ પરમાર, તેના બે પુત્રો કુમાર પરમાર અને હર્ષ પરમાર તેમજ દસ્તાવેજો કરી આપનાર મહિલા શાંતાબેન રાઠોડ સામે વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સરકારી જમીન પર ડુપ્લેક્સની સ્કીમ પાડીને ગ્રાહક પાસેથી 2.12 કરોડ રૂપિયા લઈને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
આરોપી સંજયસિંહ પરમારની ફાઇલ તસવીર.
મૂળ આણંદના અને હાલ વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલા નંદનવન કોમ્પ્લેક્ષમાં રહેતા વેપારી પ્રિયંક અનિલકુમાર પંડ્યાએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપી સંજયસિંહ પરમાર, કુમાર પરમાર, હર્ષ પરમાર અને શાંતાબેન ઉર્ફે ગજરાબેન રાઠોડે એકબીજાની મદદગારીથી પૈસા પડાવવાનું કાવતરું રચ્યું હતું અને સરકારી ગૌચરની જમીન પર કાનનવીલા-1 નામની સ્કીમ બહાર પાડી હતી. જેમાં મે ડુપ્લેક્સ નં-બી-16ના બુકીંગના એડવાન્સ, દસ્તાવેજ અને સ્ટેમ્પ ડ્યુટીના નાણા મળીને કુલ 39.50 લાખ રૂપિયા આપીને મારા સસરાએ બુક કરાવ્યું હતું. આ ઉપરાંત ડુપ્લેક્સ નં-બી-11 અને બી-13ના બુકિંગ અને દસ્તાવેજ પેટે 1.25 કરોડ રૂપિયા આપીને મારા સાસુના નામે મેં બુક કરાવ્યું હતું. ડુપ્લેક્સ નં-એ-17 અને એ-18 બુકિંગ અને દસ્તાવેજ મળીને કુલ 47.50 લાખ રૂપિયા મળીને કુલ 2.12 કરોડ રૂપિયા રોકડા અને ચેકથી મેળવીને છેતરપિંડી કરી હતી.
ઉલ્લેખનિય છે કે, વડોદરા જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા 3 મહિના પહેલા વાઘોડિયા રોડની 100 કરોડની કિંમતની સરકારી જમીનના માલિકી તરીકેનો બોગસ દસ્તાવેજો તૈયાર કરી ડુપ્લેક્સની સ્કીમ મૂકવાના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવતા ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. કરોડોની કિંમતની આ સરકારી જમીન ઓળવી જવાનો પ્રયાસ કરનારા 3 ભૂમાફિયા સંજયસિંહ બચુસિંહ પરમાર, મહીજી રાઠોડ (બંને રહે. ડી-માર્ટ પાછળ, વ્હાઇટ હાઉસ) અને દસ્તાવેજો કરી આપનાર શાંતાબહેન ઉર્ફ ગજરાબેન રાઠોડ (રહે. રાવતપુરા કામરોલ ગામ, વાઘોડિયા) સામે પોલીસ ફરિયાદ કરવા માટે કલેક્ટર અતુલ ગોરે આદેશ કર્યો હતો. જેના અનુસંધાનમાં સર્કલ ઓફિસર રોનકકુમાર પંડ્યાએ વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી હતી. ક્રાઇમ બ્રાંચે ફરિયાદના આધારે ગુનો દાખલ કર્યો હતો. ત્યારબાદ તે જમીન પર તૈયાર કરાયેલુ વ્હાઇટ હાઉસ અને ડુપ્લેક્સ તોડી પડાયા હતા અને સરકારી જમીન ખુલ્લી કરાવી હતી.