- પરિણીતાએ પુરી તાકાતથી વિરોધ કરતા આરોપી અટક્યો હતો, બાદમાં ચાકૂ બતાવી જાનથી મારી નાંખવાની તેમજ પતિને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી
વડોદરા જિલ્લાના પાદરામાં પરિણીતાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી બિભત્સ મેસેજ મોકલ્યા બાદ ઘરમાં ઘૂસી જઇ ચાકૂ બતાવી દુષ્કર્મનો પ્રયાસ કરવાનો બનાવ પાદરા પોલીસ મથકે નોંધાયો છે. પોલીસે આ ચકચારી બનાવ અંગે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
મળેલી માહિતી પ્રમાણે પાદરામાં પરિણીતા તેના પતિ તથા પરિવાર સાથે રહેતી હતી. પરિણીતાને આદિલભાઇ આરીફભાઇ મલેક (રહે. ટાવર રોડ, પાદરા ટાઉન) દ્વારા સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર બિભત્સ મેસેજ મોકલવામાં આવતા હતા. સાથે જ આદિલ પરિણીતાને બિભત્સ વીડિયો પણ મોકલતો રહેતો હતો. આ વચ્ચે તાજેતરમાં મહિલાના પતિ ઘરે હાજર ન હતા. તે આરસામાં આદિલ મહિલાના ઘરે અચાનક ઘૂસી આવ્યો હતો.
આ દરમિયાન આદિલે મહિલા સાથે જબરદસ્તી કરીને શારીરિક સંબંધ બાંધવાનો પ્રયત્ન કર્યો હતો. જેનો પરિણીતાએ પુરી તાકાતથી વિરોધ કરતા તે અટક્યો હતો. જે બાદ આદિલે પરિણીતાને ચાકૂ બતાવીને આ બાબતની જાણ કોઇને કરશે, તો જાનથી મારી નાંખશે તેવી ધમકી આપી હતી. એટલું જ નહીં વધુમાં ધમકી આપતા તેણે કહ્યું કે, તારા પતિને ખોટા કેસમાં ફસાવી દઇશ. આખરે આ ઘટનાનો ભોગ બનનાર મહિલાએ આબરૂ લેવાનો પ્રયાસ કરનાર આદિલભાઇ આરીફભાઇ મલેક (રહે. ટાવર રોડ, પાદરા ટાઉન) સામે પાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.