- અમદાવાદના સ્ક્રેપના વેપારી સહિત 7 સામે ભાદરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
વડોદરાના સાવલી તાલુકાના મોકસી ગામની એક કંપનીમાંથી રૂપિયા 4.36 લાખનો સ્ક્રેપ એક ટેમ્પામાં ભરી છેતરપિંડી કરનાર અમદાવાદના સ્ક્રેપના વેપારી સહિત 7 વ્યક્તિ સામે ભાદરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
મળેલી માહિતી પ્રમાણે આણંદ જિલ્લાના વાસદ ગામના નંદનવન સોસાયટીમાં રહેતા ચિરાગ મનહર પટેલે ભાદરવા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, અમદાવાદ સરસપુરની પટેલ ચાલીમાં રહેતા કમલ સુરેશ પટણી, સાગર કુમાર સંજયભાઈ પટણી અને પ્રકાશ રાજુભાઈ પટણી અને આકાશ મનોજ પટણી મળી ચાર ભાગીદારો સાવલી તાલુકાના મોકસી ગામે હાઈટફ કંપનીમાંથી જયવીર એન્ટરપ્રાઇઝ નામથી સ્ક્રેપનો માલ વેચાણથી લેતા હતા.
તા. 13મી તારીખે બપોરે ત્રણ વાગ્યે આ કંપનીમાં સાગર પ્રકાશ આકાશ ઉપરાંત રાકેશ પ્રવિણ પટણી ભાવેશ પ્રહલાદ પટણી અને જાફર સીદીક ઉર્ફે અયુબ સૈયદ મળી 4 વ્યક્તિ ત્રણ આઇશર ટેમ્પો લઈને આવ્યા હતા. બે ટેમ્પામાં સ્ક્રેપ ભરાવ્યો હતો અને કંપનીના વજન કાંટા પર સ્ક્રેપનુ વજન કરાવ્યું હતું. ત્યારબાદ બહારના વજન કાંટામાં બંને ગાડીઓનુ વજન કરાવીને બંને ગાડી અમદાવાદ રવાના કરી હતી. જ્યારે લોખંડના સ્ક્રેપ ભરેલો એક ટેમ્પો વજનકાંટામાં છેડછાડ કરવાના ઇરાદાથી પંચર હોવાનું બતાવી કંપનીમાં પડી રહેવા દીધો હતો. આ દરમિયાન બીજે દિવસે 14 તારીખે ટેમ્પો લેવા માટે ફરી આ ચારેય વ્યક્તિ આવ્યા હતા.
વજન કાંટા કરતા બિલમાં 760 કિલો વધારે વજન આવ્યું હતું. આ અંગે કંપનીના મેનેજરને ગાડીમાં વધારે વજન ભરેલું હોવાની શંકા જતા ટેમ્પાને બહારના વજનકાંટામાં વજન કરાવવાનું કહ્યું હતું પરંતુ, તે લોકોએ ના પાડી હતી. તેથી રકઝક થઈ હતી. ત્યારબાદ શિવમે બ્રિજ પર આઇસર ટેમ્પાને લઈ જઈ વજન કરાવ્યું હતું. ત્યારે શંકા ન જાય એટલે સાગર અને પ્રકાશ પોતાની કાર વજનકાંટાની આગળ એવી રીતે મૂકી હતી કે, વજન કાંટો જોઈ ન શકાય અને ટેમ્પો ફરી કંપનીમાં લાવ્યા હતા. જાફરે તારીખ 15ના સવારે 3 વાગ્યે કંપનીના વે બ્રિજની ઓફિસમાં ગેરકાયદે પ્રવેશ કર્યો હતો અને વે બ્રિજની સિસ્ટમવાળા રૂમમાં છેડછાડ કરી હતી અને આરોપીઓ ટેમ્પાને લોક મારીને જતા રહ્યા હતા. ટેમ્પામાં ભરેલો સ્ક્રેપ બીજા વાહનમાં ટ્રાન્સફર કરી કંપનીના વજનકાંટામાં વજન કરતા કુલ વજન 15,970 કિલો થયું હતું. તેથી, તારીખ 14ના રોજ થયેલું વજન 7,060 કિલો કરતા 8,910 કિલો વધુ વજન થયું હતું એવું જાણવા મળતા કુલ રૂપિયા 4,36,875નો સ્ક્રેપનો માલ વધુ ભરી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી.