- જ્યુપીટર ચાર રસ્તા સિગ્નલનો ભંગ કરનાર બાઈકચાલક પાસે કાગળો અને ડ્રાઈવિંગ લાઈસન્સ માંગતા ઉશ્કેરાઈ જઈ યુનિફોર્મનો કોલર તેમજ ફેટ પકડી મારામારી કરી
વડોદરા શહેરના જ્યુપીટર ચાર રસ્તા પાસે બાઈકચાલકે ટ્રાફિક સિગ્નલનો ભંગ કરી પીએસઆઇને ગાળો બોલી ઝપાઝપી કરી હતી અને યુનિફોર્મનો કોલર તેમજ ફેટ પકડી મારામારી કરી હતી. આ મામલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
વડોદરા શહેરના ટ્રાફિક પોલીસના પી.એસ.આઇ કે.એમ.માલીવાડે માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું ટ્રાફિક શાખામાં સ્પેશિયલ ટીમ-1 પૂર્વ ટ્રાફિક શાખા વડોદરા શહેરમાં છેલ્લા એક વર્ષથી નોકરી કરૂ છું અને તા-8/12/2024ના રોજ જનરલ નોકરી હતી અને મારી સાથે નોકરીમાં ટિ.આર.બી. અમિતભાઈ જયેશભાઈ તથા પિંન્ટુભાઈ ગણપતભાઈ સહિત સ્ટાફના માણસો સાથે જ્યુપીટર ચાર રસ્તા સરકારી શૌચાલય સામે જાહેર રોડ ઉપર ફરજ બજાવતા હતા.
અમે ટ્રાફિક એન્ફોર્સમેન્ટ અંગેની કામગીરી કરતા હતા, તે દરમિયાન અમે જ્યુપીટર ચાર રસ્તા પાસે જાહેર શૌચાલય સામે રોડ ઉપર 1144 વાગ્યે હાજર હતા, ત્યારે એક કાળા કલરનું પલ્સર (નં- GJ-06-MH-6830) લઈને એક બાઇક ચાલક 37 વર્ષીય વર્ષીય જૈનન જંસવતભાઈ રાણા (રહે- મ.નં-57, આશિષ સોસાયટી, હરણી વારસીયા રિંગ રોડ, વડોદરા) સુશેન સર્કલથી વડસર બ્રિજ તરફ જતો હતો. તે વખતે જ્યુપીટર ચાર રસ્તા ટ્રાફિક સિગ્નલ બંધ હોવા છતા ટ્રાફિક સિગ્નલ ભંગ કરી આવતો હતો, જેને અમે બળ વાપરીને ઉભો રાખ્યો હતો. તેની પાસે બાઈકના કાગળો અને ડ્રાઈવિંગ લાઈસન્સ માંગતા આપવાની ના પાડી હતી અને અમારી સામે ઉશ્કેરાઈ જઈ ગંદી ગાળો બોલી ઝપાઝપી કરી મારી યુનિફોર્મનો કોલર તેમજ ફેટ પકડી મારામારી કરી હતી. જેથી આ મામલે મેં બાઈક ચાલક જૈનન જંસવતભાઈ રાણા સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.