- વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે ફરિયાદ આધારે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી
વડોદરામાં યુવતીના મોર્ફ કરી ન્યૂડ ફોટો અને વીડિયો બનાવી ફેક ઇન્સ્ટાગ્રામ આઇડી પર પોસ્ટ કરવામાં આવ્યા હતા. આ મામલે યુવતીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સાયબર ક્રાઇમ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
વડોદરા શહેરની યુવતીએ વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે, હું મારા માતા-પિતા સાથે રહું છે અને મોબાઈલ ફોનનો ઉપયોગ કરતી નથી કે કોઈ ઇન્સ્ટાગ્રામમાં આઈ.ડી. ધરાવતી નથી. તેમ છતાં ગત તા.26/10/2024ના રોજ મારા પપ્પાએ મને જણાવ્યું હતું કે, આપણી પાડોશમાં રહેતા ભાઇએ તારા ફોટા અને વીડિયોના સ્ક્રીન શોટ મને મોકલ્યા છે અને મને કહ્યું છે કે, તમારી છોકરીના ગંદા ફોટો અને વીડિયો એક ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. પર કોઇએ મુક્યા છે અને જેથી મેં મારા પપ્પાને કહ્યું હતું કે, મને આના વિશે કંઇ જાણ નથી. જેથી મારા પપ્પાએ મારા ભાઈને આ બાબતે વાત કરી હતી.
મારા ભાઈએ પાડોશીઓના ફોનમાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની તપાસ કરી હતી. જેમાં એક ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. મળી આવી હતી. જેમાં મારા મોર્ફ કરેલા ગંદા ફોટા અને વીડિયો મુક્યા હતા અને આ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પબ્લીક રાખી અમારી આસપાસમાં રહેતા પાડોશીઓને ફોલો કરી અમારી સમાજમાં બદનામી થાય એ રીતે વાઇરલ કર્યા હતા. આ મામલે યુવતીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.