- શિક્ષિકાએ કહ્યું, પુત્રની ફાઈલ રિજેક્ટ થતાં રિફંડનું ફોર્મ ભર્યું હતું, જાેકે અવારનવાર રૂપિયા પરત માગતા માત્ર 6.50 લાખ પાછા આપ્યા હતા
વડોદરાની શિક્ષિકાના પુત્રને કેનેડાના સ્ટુડન્ટ વિઝા આપવાના બહાને અમદાવાદના દંપતીને 28.92 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. જાેકે પુત્રના વિઝા ન થતાં શિક્ષિકાએ રકમ પરત માંગતા ફક્ત 6.50 લાખ પરત કરી બાકીના રૂપિયા 22.42 લાખ પરત કરી નહોતી. જેને પગલે શિક્ષિકાએ હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાતા પોલીસે છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
મૂળ મહેસાણા અને હાલ વડોદરા શહેરના વીઆઇપી રોડ પર આવેલા સુંદરમ પાર્કમાં રહેતા શિક્ષિકા ખુશ્બુબેન શુક્લાએ હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું છે કે, મારા દીકરાને ભણવા માટે કેનેડા જવું હતું. જેથી, વર્ષ-2021માં મારી બહેનપણીને વાત કરી હતી. તેઓએ મને અમદાવાદ ખાતે સીટીએમ ખાતે શિરોમણી કોમ્પ્લેક્સમાં આવેલા આમંત્રણ વિઝા કન્સલટિંગના વહીવટકર્તા હિતેશ નગીનભાઇ પટેલ અને તેમની પત્ની શીવાંગી હિતેશભાઇ પટેલ (બંને રહે. લક્ષ્મીનગર, બારેજા, અમદાવાદ) પાસે કેનેડાના વિઝા માટેની જાણ કરી હતી.
જેથી અમે અમદાવાદના આમંત્રણ વિઝા કન્સલટિંગના વહીવટકર્તા દંપતીનો સંપર્ક કર્યો હતો. આ સમયે હિતેશે અમને વિઝા અંગેની માહિતી આપી હતી અને તેને કહ્યું હતું કે, 28.92 લાખ રૂપિયા ખર્ચ થશે. આ ઉપરાંત મારા દીકરાના અભ્યાસ અંગેના દસ્તાવેજ પણ માગ્યા હતા. જેથી, અમે હિતેશને 28.92 લાખ રૂપિયા આપ્યા હતા. ત્યારબાદ મારા દીકરાનું મેડિકલ અને બાયોમેટ્રિકની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. મારા દીકરાની વિઝાની ફાઇલ મુકી હતી પરંતુ, તે ફાઈલ 5 વખત રિજેક્ટ થઈ હતી. જેથી, અમે અમારા રૂપિયા પાછા માગ્યા હતા અને રિફંડનું ફોર્મ ભર્યું હતું. અમે અવારનવાર રૂપિયા પરત માગતા તેઓએ 6.50 લાખ રૂપિયા પાછા આપ્યા હતા. જોકે, બાદમાં કોઈ રૂપિયા ન આપતા અમે પોલીસ કરમિશન કચેરીમાં અરજી આપી હતી. જેથી હિતેશ અને શીવાંગીએ અમને રૂપિયા પરત કરવાના કરાર કરી આપ્યા હતા. ઘણીવાર રૂપિયા માંગવા છતાં દંપતીએ બાકીના 22.42 લાખ રૂપિયા આપ્યા ન હતા. જેથી મેં દંપતી સામે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હરણી પોલીસે દપતી સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.