ગોરજ ગામે વીજ કરંટ લાગતા શ્રમિકના થયેલા મોત અંગે સુપરવાઈઝર, કોન્ટ્રાક્ટર સહિત ૩ સામે ફરિયાદ

યુનિવર્સલ બંગલોઝ નામની સ્કીમમાં કડિયા કામ કરતા શ્રમિકનું મોત થયું હતું

MailVadodara.com - Complaint-against-3-including-supervisor-contractor-regarding-death-of-worker-due-to-electrocution-in-Goraj-village

- વાઘોડિયા પોલીસે 3 સામે ગુનો નોંધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી

વડોદરાના ગોરજ ગામની સીમમાં યુનિવર્સલ બંગલોઝ નામની સ્કીમમાં કડિયા કામ કરતા શ્રમિકને વીજ કરંટ લાગતા મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવને લઈ વાઘોડિયા પોલીસે 3 સામે ગુનો નોંધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વાઘોડિયા તાલુકામાં આવેલા ગોરજ ગામની સીમમાં યુનિવર્સલ બંગલોઝ નામની સ્કીમમાં કડિયા કામ કરતા 28 વર્ષીય નાહટીયા કસનભાઈ મુનિયાનું વીજ કરંટ લાગતા કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની તપાસ વાઘોડિયા પોલીસે હાથ ધરી હતી. આ બનાવમાં મૃતક નાહટિયાભાઈ તેની પત્ની દીપા સાથે લેબર કોન્ટ્રાક્ટર ફેજલભાઈ સાથે કડિયા કામ કરતા હતા. ફેજલભાઈએ યુનિવર્સલ બંગ્લોઝ નામની સ્કીમમાં બંગલો બાંધવાનું કામ રાખ્યું હોવાથી મરનાર અને તેની પત્ની બંને સાઇટ ઉપર કડિયા કામ કરતા હતા.

આ બંગ્લોઝની સ્કીમ ઉપરથી MGVCLની ભારે દબાણની ગોરજ જ્યોતિગ્રામ વીજ લાઇન પસાર થતી હતી. આ વીજ લાઈન ખસેડવાની કાર્યવાહી કરવામાં આવી ન હતી. જેના કારણે મકાન ઉપર કામ કરતા નાહટિયા મુનિયાને વીજ કરંટ લાગતા તેનું સ્થળ પરજ કરૂણ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે પોલીસને જાણ થતાં તાત્કાલિક સ્થળ પર પહોંચી મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઘટનામાં બેદરકારી રાખવા બદલ યુનિવર્સલ બંગલોઝના બિલ્ડર મહેશ દામજીભાઈ દેસાઈ (રહે. સુરત), સાઈટના સુપરવાઇઝર દીપક દામજીભાઈ દેસાઈ (રહે, અક્ષય આશ્રય સોસાયટી ખટંબા ગામ) અને લેબર કોન્ટ્રાક્ટર ફેજલભાઈ સામે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

Share :

Leave a Comments