ન્યુ વીઆઇપી રોડ મૂખી નગર ત્રણ રસ્તા પાસે ઓવરટેક કરવાના મામલે મામા ભાણેજને કાર ચાલક અને તેના સાગરીતોએ માર માર્યો હતો જે અંગે બાપોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરામાં સયાજી ટાઉનશીપ રોડ શિવમ હેપ્પી હોમમાં રહેતો રિતેશ હરીશભાઈ પરદેશી મકરપુરાની પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે. બાપોદ પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઈકાલે બપોરે ફતેગંજ કામ હોવાથી હું મારી બાઇક લઈને ઘરેથી ફતેગંજ જતો હતો તે સમયે મૂખીનગર ત્રણ રસ્તા પાસે પાછળ એક ફોરવીલ આવતી હતી. મારી આગળ એક બસ જતી હોવાથી મેં મારી બાઇક ધીમી કરી હતી. તે સમયે પાછળ આવતા કારચાલકે મને બૂમ પાડી હતી કે આગળ જાવ તો અમે કીધું હતું કે, આગળ બસ છે. કઈ રીતે જવાય? મારી વાત સાંભળીને કાર ચાલક નીચે ઉતરી મારી સાથે ઝઘડો કરવા લાગ્યો અને મને લાફો મારી ગાળો બોલ્યો હતો. ગાડીમાં બેસેલા અન્ય યુવકે બહાર નીકળી મને માર માર્યો હતો. તે દરમિયાન મારા મામા પ્રવીણભાઈ કહાણ ત્યાંથી પસાર થતા હોવાથી તેઓ ઉભા રહ્યા હતા. કારચાલકને ઓળખીતા બે વ્યક્તિઓ ટુ-વ્હીલર લઈને આવ્યા હતા અને મને તથા મારા મામા પ્રવીણભાઈને માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મેં 100 નંબર પર ફોન કરતા પોલીસ આવે તે પહેલા હુમલાખોરો ભાગી ગયા હતા.