કાલાઘોડાથી જેલરોડ સુધી ડિવાઇડરમાં લાગેલા કોનોકાર્પસને કાપી દૂર કરવાની કામગીરી શરૂ

વડોદરામાં એક સમયે 20,000થી વધુ કોનોકાર્પસ વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું હતું

MailVadodara.com - Commencement-of-cutting-and-removal-of-conocarpus-in-the-divider-from-Kalaghoda-to-Jailroad

- પાલિકાના સ્માર્ટ સત્તાધીશોએ કોનોકાર્પસ વૃક્ષોની માવજત પાછળ લાખો રૂપિયા ખર્ચ્યા બાદ હવે આખરે 5 વર્ષે દૂર કરી બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તેમ લાગી રહ્યું છે!


વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ડિવાઈડર વચ્ચે રોપેલા કોનોકાર્પસ વૃક્ષોને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વડોદરામાં એક સમયે 20,000થી વધુ કોનોકાર્પસ વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું હતું. તે સમયે કોર્પોરેશને આની પાછળ લાખો રૂપિયાનો ધુમાડો કર્યો હતો. ત્યારે હવે આ જ વૃક્ષોને હટાવવા કોર્પોરેશન દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. છેલ્લા કેટલાય સમયથી ખૂબ ચર્ચામાં રહેલા કોનોકાર્પસ વૃક્ષને દૂર કરવાની કામગીરી વડોદરા મહાનગરપાલિકા હવે શરૂ કરી છે.


વડોદરા પાલિકા દ્વારા શહેરમાં અંદાજિત 20,000થી પણ વધુ આ વૃક્ષોનું વાવેતર કરાયું હતું. જેમાં કોનોકાર્પસ વૃક્ષો પાછળ અંદાજિત 10 લાખથી પણ વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતો, જે વર્ષ 2017માં તાત્કાલિન મ્યુનિસિપલ કમિશનર દ્વારા વાવવામાં આવ્યા હતા. તે નુકસાનકારક હોવાની ચર્ચાના જોરે મહાનગર પાલિકાના સત્તાધીશો તેનો નાશ કરશે તેવી વાત ચાલી રહીહતી. મહાનગરપાલિકાના સ્માર્ટ સત્તાધીશોએ માવજત પાછળ લાખો રૂપિયા ખર્ચ્યા બાદ હવે આખરે 5 વર્ષે આ કોનોકાર્પસ દૂર કરી બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તેવું લાગી રહ્યું છે. 


આ કોનોકાર્પસ વૃક્ષોને હટાવવા બાબતે મહાનગર પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉ. હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, જેતે સમયે સારા આશયથી વાવવામાં આવ્યા હતા, પરંતુ આ વૃક્ષની કુદરતી સંપત્તિને યોગ્ય નિષ્ણાતોના મતાનુસાર, કોનોકાર્પસ પ્રકારના છોડ બાબતે આ છોડ ડિવાઈડર વચ્ચે વધુ હાઈટ પકડતા હોવાથી સ્ટ્રિટ લાઈટ ઢંકાઈ જાય છે. સાથે જ તેના મૂળીયા જમીનમાં દૂર સુધી ફેલાતા હોઇ રોડને તથા અન્ય બાંધકામને પણ નુકસાન પહોંચાડે છે.


વધુમાં તેમણે જણાવ્યું હતું કે, બીજી તરફ ઓક્સિજનનું પ્રમાણ પણ ઓછું આપે છે. સાથે આ પ્રજાતિમાં મૂળ ખૂબ ઊંડે સુધી જતા હોવાથી ભૂગર્ભ જળ વધુ શોષણ કરે છે, જેથી હજારોની સંખ્યામાં આ વૃક્ષો વાવેલા છે તે દૂર કરવામાં આવશે. સાથે અન્ય રંગબેરંગી ફૂલ-છોડ આ જગ્યાઓ પર વિકસાવવામાં આવશે. ત્યારે આજે શહેરના કાલાઘોડાથી જેલરોડ સુધીના રોડ વચ્ચે આવેલા ડિવાઇડરમાં લાગેલા કોનોકાર્પસ ઝાડને કાપી દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ જ રીતે અન્ય વિસ્તારોમાં પણ કામગીરી હાથ ધરવામાં આવશે.

Share :

Leave a Comments