- ઘટનાસ્થળે પહોંચેલા પરિવારજનોનું હૈયાફાટ રૂદન, બ્રિજ નીચે ટ્રાફિકજામ થઇ ગયો
- 17 વર્ષીય મૈત્રી શાહ પારુલ યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી
- પરિવારજનોનો દીકરીના ચક્ષુઓનું દાન કરવાનો નિર્ણય
વડોદરા શહેરના શહેરના વાઘોડિયા બ્રિજ નીચે એક્ટિવા લઈને કોલેજે જઈ રહેલી 17 વર્ષની વિદ્યાર્થિનીને પીકઅપ વાને અડફેટે લેતા ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માત બાદ પીકઅપ વાનનો ચાલક ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો.
આ અંગે જાણ થતા કપૂરાઇ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આ અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. જેમાં પીકઅપ વાન ચાલક વિદ્યાર્થિનીને અડફેટે લેતો દેખાય છે. ત્યારબાદ તે પીકઅપ વાન લઈને ભાગી જાય છે. પોલીસે સીસીટીવીની મદદથી આ કેસમાં તપાસ શરૂ કરી છે.
પારુલ યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી 17 વર્ષીય વિદ્યાર્થિની મૈત્રી શાહ આજે (8 એપ્રિલ, 2025) સવારે ઘરેથી કોલેજ જવા નીકળી હતી. આ વિદ્યાર્થિની વાઘોડિયા ચોકડી ખાતે પહોંચી ત્યારે પીકઅપ વાન ચાલકે અડફેટે લીધી હતી. જેને પગલે આસપાસના લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા અને આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમજ વાઘોડિયા બ્રિજની નીચે ટ્રાફિકજામ થઈ ગયો હતો.
ત્યારબાદ પોલીસે વિદ્યાર્થિનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. વિદ્યાર્થિનીના પરિવારજનો પણ સયાજી હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને આક્રંદ કર્યું હતું. પરિવારજનોએ તેમની દીકરીની ચક્ષુઓનું દાન કરવાનો નિર્ણય લીધો છે. યુવતીના પિતા હાલોલ રોડ ઉપર આવેલ સ્નાઈડર ઈલેક્ટ્રીક કંપનીમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તરીકે જોબ કરે છે. બે દીકરી પૈકી મૃતક દીકરી નાની છે.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે જ વડોદરાના કલાલી બ્રિજ ખાતે અકસ્માતમાં એક સિનિયર સિટીઝનનું મોત થયું હતું. તો ત્રણ દિવસ પહેલા વાઘોડિયા બ્રિજ પાસે નિવૃત એએસઆઈના પુત્રનું અજાણ્યા વાહનની ટક્કરે મોત થયું હતું. આમ વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત અકસ્માતો થઈ રહ્યા છે. જેમાં લોકોએ જીવ પણ ગુમાવ્યા છે.