- તાલુકા કક્ષાએ સંબંધિત તાલુકા વિકાસ અધિકારી તથા ગ્રામ્ય કક્ષાએ સંબંધિત ગામના તલાટીકમ મંત્રીની નોડલ અધિકારી તરીકે નિયુક્તિ કરાઇ
વડોદરા જિલ્લામાં બંધ પડેલ બોરવેલ, ટ્યુબવેલમાં બાળકોના પડી જવાના કારણે થતાં અકસ્માતો નિવારવા માટે જરૂરી પગલાં લેવા જિલ્લા કલેકટર બી. એ. શાહે જરૂરી હુકમ કરી બોર, કુવાઓની કામગીરી અનુસંધાને ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા સ્તરે નોડલ અધિકારીઓની નિમણૂંક કરી છે.
આ કામગીરી માટે જિલ્લાના નોડલ અધિકારી તરીકે કાર્યપાલક ઇજનેર, સિંચાઈ વિભાગ (પંચાયત), તાલુકા કક્ષાએ સંબંધિત તાલુકાના તાલુકા વિકાસ અધિકારી તથા ગ્રામ્ય કક્ષાએ સંબંધિત ગામના તલાટીકમ મંત્રીની નોડલ અધિકારી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.
નોડલ અધિકારીઓએ તેમના અધિકાર ક્ષેત્રમાં આવતા બોર, કુવાઓ બાબતે કોઈ દુર્ઘટના ન બને તે માટે સલામતીના તમામ પગલાં લેવા અને ચાલુ, બાંધકામ અને બંધ બોર, કુવાની ફરતે જરૂરી બેરીકેડિંગ, જાળી અને યોગ્ય જણાય તેવા જરૂરી સલામતીના તમામ પગલાં લેવા જણાવ્યું છે. જે તે નોડલ અધિકારીએ કરેલ કામગીરીનો અહેવાલ જિલ્લા કલેક્ટરને મોકલી આપવા હુકમમાં જણાવવામાં આવ્યું છે.