- ગંગોત્રી પાંચ રસ્તા પાસે ચોખંડી અને શ્રદ્ધા બાજુથી આવતી વરસાદી કાંસ પર ઢાંકવામાં આવેલો સ્લેબ દર વખતે તોડી નવો સ્લેબ બનાવવામાં છે : કોંગ્રેસના સિનિયિર કોર્પોરેટર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એકનું એક કામ દર વર્ષે કરે છે, અને તેમાં લોકોના વેરાના લાખો રૂપિયાનો બગાડ થાય છે. આટલો ખર્ચ કરવા છતાં પણ પરિણામ શૂન્ય રહે છે. આ કામ છે વરસાદી ગટરનું અને તેના પર બાંધેલા સ્લેબને તોડફોડ કરીને સફાઈ કરવાનું. વોર્ડ નંબર 13 માં દર વર્ષે વરસાદી ગટર પરનો સ્લેબ તોડવામાં આવે છે. દર વર્ષે તે સ્લેબ સફાઈ કરી અને ઢાંકવામાં આવે છે. ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા બાદ ચોમાસુ પૂર્ણ થતા ફરી પાછો તોડવામાં આવે છે.
વોર્ડ નંબર 13 ના કોંગ્રેસના સિનિયર કોર્પોરેટરના કહેવા મુજબ ગંગોત્રી પાંચ રસ્તા પાસે ચોખંડી અને શ્રદ્ધા બાજુથી આવતી વરસાદી કાંસ કે જે અહીં વરસાદી ગટર બને છે તેના પર ઢાંકવામાં આવેલો સ્લેબ દર વખતે તોડી નાખવામાં આવે છે, અને દર વખતે નવો સ્લેબ બનાવવામાં આવે છે. ગયા વર્ષે પણ ચોમાસામાં સ્લેબ તોડીને નવો બનાવ્યો હતો. જે આ વખતે ફરી પાછો તોડી નાખવામાં આવ્યો છે. એક ને એક કામગીરી દર વર્ષે કરવાનો કોઈ અર્થ રહેતો નથી. સ્લેબ તોડતા રોડ બંધ થઈ જાય છે, લોકોને ફરીને જવું પડે છે, અને હેરાનગતિ ભોગવી પડે છે. લોકોના વેરાના લાખો રૂપિયા આ એક જ કામગીરીમાં વપરાઈ ગયા છે. તેમણે વધુમાં કહ્યું હતું કે હું 14 વર્ષથી આ વિસ્તારનો કોર્પોરેટર છું. વરસાદી પાણી આ વિસ્તારમાં થોડા વરસાદમાં જ ભરાઈ જાય છે. વરસાદી કાંસ-ગટર બરાબર નહીં હોવાથી પાણીનો નિકાલ થતો નથી. ચોક અપ થઈ જાય છે. સાફ કરવાનો વારો આવે છે. આ મુદ્દે કમિશનર સમક્ષ રજૂઆત કરવામાં આવશે અને તપાસ માંગવામાં આવશે કે આવું દર વર્ષે કેમ બને છે. એક જ કામ પાછળ શા માટે રૂપિયા ખર્ચવામાં આવે છે? એવું ચોક્કસ કામ કરવામાં આવે કે ફરી પાછો સ્લેબ તોડવો ન પડે અને લોકોના રૂપિયાનો બગાડ ન થાય.