- દબાણોના કારણે સાંકડા થઈ જતા વાહનચાલકોને ભારે તકલીફનો સામનો કરવો પડે છે, જેની વારંવાર ફરિયાદો પાલિકા તંત્રને મળી હતી
નવા વર્ષના પ્રારંભે જ પાલિકા તંત્ર ફરી એકવાર એક્શન મોડમાં આવી ગયું છે. વોર્ડ નં. 6-7 ના રોડ રસ્તાની બંને બાજુના હંગામી લારી ગલ્લા પથારાના દબાણો તથા દુકાનોવાળાએ બહારની બાજુએ બનાવેલા શેડ અને ગોઠવેલો માલ સામાન હટાવવાની કામગીરી વહેલી સવારથી શરૂ કરી છે. જેમાં કારેલીબાગ પાણીની ટાંકી વિસ્તાર, ફતેપુરા, જયુબેલી બાગ, નાગરવાડા, અંબાલાલ પાર્ક તથા વારસિયા વિસ્તારના હંગામી દબાણનો સફાયો કરવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં ઠેર-ઠેર ગલી કુચી અને જાહેર રોડ રસ્તા પર નાના મોટા લારી ગલ્લા પથારા સહીત ખાણી-પીણીની લારીઓવાળાના હંગામી દબાણોનો ઠેર-ઠેર રાફડો ફાટ્યો છે. પરિણામે રાહદારીઓને ચાલવા માટે ફૂટપાથ પર ક્યાંય જગ્યા મળતી નથી અને રોડ રસ્તા દબાણોના કારણે સાંકડા થઈ જતા વાહનચાલકોને ભારે તકલીફનો સામનો કરવો પડે છે. આ અંગેની વારંવાર ફરિયાદો પાલિકા તંત્રને મળી હતી.
પરિણામે વડોદરા પાલિકાની દબાણ શાખાની ટીમ આજે વહેલી સવારથી વોર્ડ નં.૬ અને ૭માં ત્રાટકી હતી. જેમાં કારેલીબાગ પાણીની ટાંકીના રોડ રસ્તાની બંને બાજુના લારી ગલ્લા સહિત ખાણી-પીણીની લારીઓ તથા અન્ય હંગામી દબાણો હટાવીને ફૂટપાથ તથા રોડ રસ્તા ખુલ્લા કર્યા હતા. આવી જ રીતે હળની રોડ વિસ્તારના પણ બંને બાજુના દબાણો પાલિકા તંત્રની દબાણ શાખા એ હટાવ્યા હતા.
આ ઉપરાંત અંબાલાલ પાર્ક વિસ્તાર સહિત વારસિયા વિસ્તાર ફતેપુરા આજવા રોડ વિસ્તાર નાગરવાડા વિસ્તારના હંગામી દબાણો હટાવીને રોડ રસ્તા ખુલ્લા કરી પાલિકા તંત્રની દબાણ શાખાએ બે ટ્રક જેટલો માલ સામાન કબજે કર્યો હતો.