- ઓપન ગાર્બેજ પોઇન્ટ છે તે ઘટાડાશે અને ગાર્બેજ ટ્રાન્સફર યુનિટ વધારાશે
વડોદરામાં વિશ્વામિત્રી નદીની સપાટી ઝડપભેર ઘટતા નીચાણવાળા વિસ્તારોમાંથી પાણી ઉતરતા ત્યાં હવે રોગચાળો ફેલાય નહીં તે માટે સફાઈની કામગીરી ચાલુ કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષના કહેવા મુજબ પાણી ઉતર્યા બાદ ક્લોરિન ગોળીઓનું વિતરણ, મેડિકલની ટીમો દ્વારા ઘેર-ઘેર સર્વે અને કચરો ઉઠાવવાનું કાર્ય વધારી દેવાયું છે. ગયા વખતે પૂરની જે ગંભીર સ્થિતિ હતી તેવું આ વખતે નથી એટલે તંત્રને રાહત છે.
આજે બીજી ઓક્ટોબરે કોર્પોરેશન દ્વારા ગોત્રી તળાવ ખાતે સફાઈ ઝુંબેશ રાખવામાં આવી હતી. એક વાતચીતમાં કમિશનરે જણાવ્યું હતું કે વડોદરા કોર્પોરેશન હવે એક વર્ષમાં સફાઈની કામગીરી હાલ છે તેના કરતાં પણ વધુ ઘનિષ્ઠ થાય તે માટે પ્લાનિંગ કરી રહી છે. ઓપન ગાર્બેજ પોઇન્ટ છે તે ઘટાડવામાં આવશે, અને ગાર્બેજ ટ્રાન્સફર યુનિટ વધારવામાં આવશે. રિસોર્સિસ વધારવામાં આવશે. કચરામાંથી સર્ક્યુલર ઇકોનોમી જનરેટ થાય તે માટે પણ પ્રયાસ કરવામાં આવશે, એટલું જ નહીં શહેરના જે તળાવો છે તે પણ સ્વચ્છ રાખવા માટે વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.