- મ્યુનિસિપલ કમિશનરની દેખરેખમાં હેઠળ કાંસની સફાઇ કરવાની કામગીરી હાથ ધરાઇ, આ કામગીરી 15 મે સુધીમાં પૂર્ણ કરી દેવાનું આયોજન
આગામી ચોમાસા પહેલાં શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં પૂર નિવારણ માટે અને પૂર્વ વિસ્તાર સહિત અન્ય વિસ્તારોમાં ગ્રામ્ય વિસ્તારના તેમજ ભારે વરસાદના પ્રવેશતા અને ભરાતા પાણી અટકાવવાના પગલાં ભરવાનું કામ કોર્પોરેશન દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે. ખાસ કરીને વડોદરા ગ્રામ્ય વિસ્તારના પાણી શહેરના પૂર્વ વિસ્તારમાં ધસી આવતા પાણીને રોકવા માટે હાઇવે સમાંતર કાંસની સફાઇ અને દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
આગામી ચોમાસામાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય તે માટે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની દેખરેખ હેઠળ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી ચોમાસા પહેલા એટલે કે, 15 મે સુધીમાં પૂર્ણ કરી દેવાનું આયોજન છે. આ કામગીરી અંતર્ગત કાંસને પહોળી કરવી, હાઇવે પરના દબાણો દુર કરવા, સમાંતર કાંસનું નિર્માણ કરવું વગેરેનો સમાવેશ થાય છે.
વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારમાંથી જે પાણી હાઇ-વે પસાર કરીને પૂર્વ વિસ્તારમાં આવે છે તે રોકવા માટેનું આખું પ્લાનિંગ કરવામાં આવ્યુ છે. વરસાદી પાણી શંકરપુરા કાંસ, સિકંદર પુરા કાંસ, અણખોલ તળાવ આગળની કાંસ આગળ જાય અને તેવી જ રીતે નેશનલ હાઇવેની સમાંતર કાંસ કપુરાઇ થઇને રેલવેના ગરનાળા નીચે થઇને જાંબુઆ તરફ આવે તેનું આખું પ્લાનિંગ અમે કર્યું હતું. એટલે હવે તેનું કામ શરૂ કરવામાં આવ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ કામ યોગ્ય રીતે થાય તે માટેની આ મુલાકાત હતી. સાથે દક્ષિણ વિસ્તારમાં હાઇ-વેને સમાંતર કાંસ કરવી, રૂપારેલ કાંસની સમાંતર બીજો તેવો જ કાંસ તૈયાર કરવો, જેથી પાણી ઝડપથી પસાર થઇ જાય. તરસાલી અને સોમા તળાવ વિસ્તારને ફાયદો થાય તે માટેનું આયોજન છે. નેશનલ હાઇવે પરના જે દબાણો છે, તેને દુર કરવા માટે ઓથોરિટીને વધુ એક વખત અપીલ કરું છું.
મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ વધુમાં જણાવ્યું હતું કે, આખી ચેનલ બનાવવામાં આવે તો જ પાણી જાય. એક પછી એક અલગ અલગ સ્તરે કામગીરી કરવામાં આવશે. પૂર્વ વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યામાંથી છુટકારો મળશે. તેની માટે સૌથી પહેલા ટીંબી કાંસ, ત્યારબાદ અણખોલ કાંસ, પછી સિકંદરાપુરા કાંસ, શંકરપુરા તથા હાઇવેની સમાંતર પૂર્વ અને પશ્ચિમ બાજુએ ક્રોસિંગ, બાદમાં કપુરાઇ તળાવ તથા જાંબુઆ નદી, સાથે કપુરાઇ પછી હાઇવેની સમાંતર બંને કાંસ ચાલે, તથા રૂપારેલ કાંસની સમાંતર નવો કાંસ હાઇવેની સમાંતર થાય અને આગળ જતા ભળી જાય (મર્જ થાય) ત્યારે મહદઅંશે પાણી શહેરની બહાર જ વહી જશે. આવતા ચોમાસામાં આપણને પાણી ભરાવવાની સમસ્યામાંથી છુટકારો મળશે. આ કામ અંગેનું પ્લાનિંગ કરી દેવામાં આવ્યું છે. આજની સ્થિતીએ બધાય ઝોનમાં કામ ચાલી રહ્યું છે. આખી કામગીરી 15 મે, 2025 સુધીમાં, ચોમાસા પહેલા પૂર્ણ થાય તેવો અમારો પૂરતો પ્રયત્ન છે.