વડોદરા પ્રાથમિક શિક્ષણ સમિતિના વર્ગ-4ના કર્મીઓ કાયમી કરવાની માગ સાથે હડતાળ પર

570 કર્મચારીઓને કાયમી કરવા અંગે છેલ્લાં કેટલાય વર્ષોથી લડત ચાલી રહી છે

MailVadodara.com - Class-IV-workers-of-Vadodara-Primary-Education-Committee-on-strike-demanding-permanent

- કર્મચારીઓ પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાઅધિકારીની ઓફિસ આગળ ધરણાં કર્યા, નિર્ણય ન આવે ત્યાં સુધી આંદોલન શરૂ રાખવાની ચીમકી


વડોદરા મહાનગરપાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વર્ગ ચારના 570 કર્મચારીઓને કાયમી કરવા અંગે છેલ્લાં કેટલાય વર્ષોથી લડત ચાલી રહી છે. વારંવાર આંદોલન છતા નિવેડો ન આવતાં આજે ફરી એકવાર કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. આ વખતે તેઓનું કહેવું છે કે, અમે લડી લેવાના મૂડમાં છીએ કે જ્યાં સુધી અમને કાયમી નહીં કરાય ત્યાં સુધી અમે હડતાલ સમેટીશું નહીં. તેઓ પ્રાથમિક શિક્ષણ સમિતિના શારાનાઅધિકારીની ઓફિસ આગળ બેસી ગયાં છે.


વર્ષોથી કાયમી કર્મચારી થવાની લડત લડતા કર્મચારીઓ આજે પણ કાયમી થવા લડત લડી રહ્યાં છે. આ અંગે સમિતિનાં ગઠન બાદ બેઠકમાં વકીલોએ સમાધાનની ફોર્મ્યુલાની વાત કરાતા આંદોલનન ફરી શરુ થયું છે. તેઓનું કહેવું છે કે, વર્ષ 2019ની અંદર લેબર કોર્ટ દ્વારા ચુકાદો આપવા છતાં પણ અમને કાયમી કરવામાં આવ્યા નથી. ત્યારે ફરી એકવાર અમે લડી લેવાના મૂડમાં છીએ.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વર્ગ ચારના કર્મચારીઓને ગત વર્ષે પણ આંદોલન કર્યું હતું. તે સમયે પૂર્વ મેયર કેયુર રોકડીયાએ તેઓને આશ્વાસન આપી આંદોલન સમેટ્યું હતું. તેમ છતાં પણ હજુ તેનું નિરાકરણ ન આવતા ફરી એકવાર અચોક્કસ મુદતની હડતાલ પર બેસવાનું નિર્ણય કર્યો છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પરિસરમાં આજે વર્ગ ચારના કર્મચારીએ ભારે સૂત્રોચાર સાથે વિરોધ દર્શાવ્યો છે અને જણાવ્યું હતું કે, હવે અમે લોલીપોપ સ્વીકારવા તૈયાર નથી.


આવતીકાલે પાલિકાની સામાન્ય સભા વખતે નગરસેવકોને ગુલાબ આપી રજૂઆત પણ કરવાની વાત કરી છે. વર્ષ 1992માં વર્ગ ચારના કર્મચારીઓને પ્રોબેશન પર મૂકવામાં આવ્યા હતા અને વર્ષ 2019માં લેબર કોર્ટના આદેશ છતાં પણ કાયમી કરવામાં આવ્યા નથી જેને લઈને આજે ફરી આંદોલન શરૂ કર્યુ છે. બીજી તરફ પાલિકામાં નવી ભરતીની વાતો થાય છે, પરંતુ 570માંથી વર્ગ ચારના હવે માત્ર 150 આસપાસ કર્મચારીઓ નોકરી કરી રહ્યાં છે અને તેઓના ઘરની હાલત કફોડી બની છે અને નિર્ણય ન આવે ત્યાં સુધી આંદોલન શરૂ રાખવાની ચીમકી ઉચ્ચારી છે.

આ અંગે છેલ્લાં 20 વર્ષથી રિટાયર્ડ થયેલા 77 વર્ષીય વિમલબેન ભાવસારે જમાવ્યુ હતું કે, હવે છોકરાઓ પાસે પૈસા માગીએ છીએ તો પૈસા આપતા નથી. અમને પેન્શન આપે તો સારી વાત છે. અમારે પૈસા વાપરવા અત્યારે જ જરૂર છે મરી ગયા પછી શું જરૂર છે. અમે આંદોલન પર બેસીશું. અન્ય એક આંદોલન કરનાર કર્મચારીએ જણાવ્યું હતું કે, હું વર્ષ 2016માં રિટાયર્ડ થઈ છું ત્રણ વાર આંદોલન પર બેઠા છીએ અને ફરી એકવાર આંદોલન પર બેઠા છીએ. જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ઊભા નહીં થઈએ.

આ અંગે ચોથા વર્ગ કર્મચારી સંઘના પ્રમુખ નિલેશ રાજે જણાવ્યું હતું કે, અમારી લડત વર્ષોથી ચાલી રહી છે. 32 વર્ષમાં અમને એક વર્ષનો પ્રોબેશન પ્રિયડ આપવામાં આવ્યો હતો અને હંગામી જોવા જઈએ તો વર્ષ 1977થી કામ કરતા હતા. આ બાબતે અમે હાઇકોર્ટમાં ગયા હતા અને હાઇકોર્ટે લેબરકોર્ટમાં જવા કહ્યું હતું અને ત્યારબાદ અમે લેબર કોર્ટમાં ગયા અને વર્ષ 2019માં તેઓએ કાયમી કરવા આદેશ કર્યો છે છતાં પણ તેઓ કાયમી કરતા નથી અને અમને ફરીથી હાઇકોર્ટમાં લઈ ગયા છે.

વધુમાં જણાવ્યું કે, પ્રાથમિક શિક્ષણ સમિતિ સ્વાયત સંસ્થા છે અને તેઓએ સભામાં લેબર કોર્ટના ચુકાદાને ઠરાવ કરવા માટે મૂક્યો હતો અને કોર્પોરેશનની સામાન્ય સભામાં ઠરાવને મુલતવી રાખવામાં આવ્યો છે. ચોથા વર્ગના કર્મચારીને કાયમી કરવા માટેની એક કમિટી બનાવવામાં આવી છે છતાં પણ હજુ તેનું કોઈ નિરાકરણ આવ્યું નથી. હવે અમને જ્યાં સુધી કાયમી નહીં કરે ત્યાં સુધી અમે આંદોલન પરથી ઉભા થવાના નથી તેવી ચીમકી ઉચ્ચારી છે.

અંગે વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી શ્વેતા પારગીએ જણાવ્યું હતું કે, આ અંગે ડેપ્યુટી કમિશનર તરફથી સૂચનાઓ પણ આપવામાં આવી છે અને કમિશનર દ્વારા પણ આ બાબતે કાયદાકીય જે કંઈ થશે તે બાબતે હાલમાં વાતચીત ચાલી રહી છે. અત્યારે 150 જેટલા કર્મચારીઓ નોકરી પર છે અને વર્ગ 4ના કર્મચારી હોવાથી તેની અસર વધુ પડશે. અત્યારે અમે તેઓને સમજવાની કોશિશ કરીએ છીએ. આ બાબતે હાઇકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે, અમે કશું કહી શકીએ નહીં.

Share :

Leave a Comments