- મારીમારીની આ ઘટનામાં 3 લોકો ઇજાગ્રસ્ત થતાં સારવાર હેઠળ ખસેડાયા
વડોદરા શહેરના દશરથ ગામમાં ક્રિકેટ રમવા મુદ્દે બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. મારીમારીની આ ઘટનામાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ મામલે બંને જૂથોએ છાણી પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરા નજીક આવેલા દશરથ ગામના હઠી ફળિયામાં રહેતા જગદીશભાઇ સોલંકીએ છાણી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, 5 એપ્રિલના રોજ સાંજે 5:30 વાગ્યાના અરસામાં હું મારા વાડામાં ચાઇનીઝ લારી માટે સામાન તૈયાર કરતો હતો. આ સમયે મારો 8 વર્ષનો દીકરો વાડામાં રમી રહ્યો હતો અને સોલંકી વાડીના છોકરાઓ પણ રમી રહ્યા હતા, ત્યારે વિજયભાઇ પરમારના દીકરાએ મારા દીકરાને કાપડનો દડો માર્યો હતો. જેથી મારા દીકરાએ મને કહેતા મેં વિજયના છોકરાને સમજાવ્યો હતો. ત્યારબાદ હું રાત્રે ચાઇનીઝ લારી પર હતો. ત્યારે મારી પત્ની નયનાનો ફોન આવ્યો હતો કે, સોલંકી વાડીમાંથી રમેશ સોલંકી, દિલિપ પરમાર, દીપક સોલંકી અને દિનેશ સોલંકી આવીને ગાળાગાળી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપે છે.
જેથી હું તાત્કાલિક ઘરે આવી ગયો હતો અને આ સમયે આ તમામ લોકો ભેગા મળીને મારા ફળિયામાં મારામારી કરવા લાગ્યા હતા. જેમાં મારા ફળિયામાં રહેતા ચિરાગ ચૌહાણને દિનેશ સોલંકીએ માથામાં કડું માર્યું હતું. સુનિલ સોલંકી અને ધર્મેશ સોલંકીએ મૂંઢ માર મારતા સામાન્ય ઇજાઓ થઈ હતી. જેથી ચિરાગ ચૌહાણને બાજવાના સરકારી દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આ મામલે મેં રમેશ સોલંકી, દિલિપ પરમાર, દિપક સોલંકી અને દિનેશ સોલંકી સામે છાણી પોલી સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
બીજી તરફ સામે પક્ષે વડોદરા નજીક આવેલા દશરથ ગામમાં આવેલી સોલંકી વાડીમાં રહેતા વિજયભાઇ પરમારે છાણી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, 5 એપ્રિલના રોજ સાંજે 5:30 વાગ્યાના અરસામાં ઇશ્વર ભવનના વાડામાં છોકરાઓ ક્રિકેટ રમતા હતા તે વખતે મારા દીકરાનો કાપડનો દડો જગદીશ ઉર્ફે કાળિયો સોલંકીના વાડા તરફ ફેંક્યો હતો. આ વખતે મારો દીકરો દડો પાછો લઈ આવ્યો હતો. આ સમયે જગદીશ સોલંકીએ મારા દીકરાને કહ્યું હતું કે, આ દડો મારા દીકરાને આપી દે. જેથી મારા દીકરાએ દડો તેના દીકરાને આપી દીધો હતો અને જગદીશે મારા દીકરાને 3થી 4 તમાચા ઝીંકી દીધા હતા. આ ઉપરાંત મારો મોટોભાઇ મનુ પણ તે સમયે હાજર હોવાથી તેણે જગદીશને કહ્યું હતું કે, મારા ભત્રીજાને કેમ મારે છે? તેમ કહેતા જગદીશે મારા મોટાભાઇને પણ 4 તમાચા ઝીંક્યા હતા અને ત્યાં હાજર મારા ભત્રીજા નિખિલને પણ તમાચા માર્યા હતા.
ત્યારબાદ રાત્રે મારા બીજા મોટાભાઇ પ્રવીણભાઇ જગદીશના ઘરે કહેવા ગયા હતા કે, છોકરાઓની રમતમાં તે મારા ભાઈ અને ભત્રીજાને કેમ માર્યા? જેથી ત્યાં હાજર સુનિલ સોલંકીએ મારા મોટાભાઇને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને અહીંથી જતો રહે કહીને બોલાચાલી કરીને ઝપાઝપી કરી હતી. જેમાં મારા ભત્રીજા દિલિપ પરમારને ટીકાભાઇ સોલંકી અને હસુભાઇ સોલંકીએ ભેગા મળીને માથામાં માર માર્યો હતો અને નીચે પાડી દીધો હતો. આ વખતે વચ્ચે છોડાવવા પડેલા દિપક સોલંકીને જમણી આંખની નીચે ડંડો વાગ્યો હતો અને દિનેશ સોલંકીએ મૂંઢ માર માર્યો હતો.
બંને પક્ષો વચ્ચે અંદરોઅંદર મારામારી શરૂ થઈ ગઈ હતી. જેમાં દિપીકાબેન તેમના ઓટલા પર બેઠા હતા. તેમને કપાળ પર કોઈ વસ્તુ વાગતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા. દિપીકાબેન અને દિપકભાઇ સારવાર અર્થે છાણીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ બાબતે મેં જગદીશ ઉર્ફે કાળિયો સોલંકી, સુનિલ ઉર્ફે ભોલો ગોહિલ, ટીકા સોલંકી અને હસુ સોલંકી સામે છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.