- નવા પ્રોફેસર્સની ભરતી અને દરેક વિષયનો એક-એક શિક્ષક હોવા જોઇએ તેવી માગ
વડોદરા શહેરની એમ.એસ.યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ જર્મનમાં આજે વિદ્યાર્થીઓ અને વિજીલન્સની ટીમ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેમાં બંને જૂથ એકબીજાને ધક્કે ચડાવી નીચે પાડી દેતા નજરે ચડ્યા હતા.
વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટી પરીક્ષાની બેઠક વ્યવસ્થા હોય કે પરિણામ દરેક બાબતે વિવાદમાં આવી રહી છે. ત્યારે આજે આર્ટ્સ ફેકલ્ટીના ડિપાર્ટમેન્ટ ઓફ જર્મનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોતાની માંગણીઓને લઇને ડિપાર્ટમેન્ટ ખાતે પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓની માંગણી હતી કે, ડિપાર્ટમેન્ટ ઓફ જર્મનમાં 6 વિષયોની વચ્ચે એક શિક્ષક છે, જેથી નવા પ્રોફેસર્સની ભરતી કરવી જોઇએ અને દરેક વિષયનો એક-એક શિક્ષક હોવા જોઇએ. સાથે જ વિદ્યાર્થીઓને ખોટી રીતે નાપાસ કરવામાં આવે છે તેવા પણ આક્ષેપ કરાયા હતા.
વિદ્યાર્થીઓ વિરોધ દર્શાવવા માટે ડિપાર્ટમેન્ટ ઓફ જર્મન ખાતે પહોંચ્યા ત્યારે આ ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરાવતા એકમાત્ર પ્રોફેસર જ્યોત્સના ફણસે પણ ત્યાં હાજર હતા. જેથી વિદ્યાર્થીઓએ જર્મન ડિપાર્ટમેન્ટને તાળાબંધી કરી હતી અને પ્રોફેસરને અંદર જતાં અટકાવ્યા હતા. વિદ્યાર્થીઓ અને વિજિલન્સ વચ્ચે મારામારી થઈ હતી. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે સેમેસ્ટર પૂરૂં થવા આવ્યું પણ હજી સુધી અધ્યાપકોના અભાવે કોર્સ પૂરો થયો નથી.
વિભાગમાં વિદ્યાર્થીઓની સાથે વ્હાલા દવલાની નીતિ પણ અપનાવાય રહી છે. જે વિદ્યાર્થીઓ અધ્યાપકોની નજીક હોય તેમને વધારે માર્કસ આપવામાં આવે છે. સમગ્ર ઘટનાને પગલે યુનિવર્સિટીની વિજીલન્સની ટીમ દોડી આવી હતી અને વિદ્યાર્થીઓને ત્યાંથી હટી જવા સમજાવ્યા હતા. પરંતુ, વિદ્યાર્થીઓ પોતાની માંગણી પર અડગ રહેતા વિજીલન્સ ટીમ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેમાં વિદ્યાર્થીઓને વિજીલન્સની ટીમ દ્વારા ધક્કામારી ત્યાંથી હટાવવામાં આવ્યા તો વિદ્યાર્થીઓએ પણ વળતા જવાબમાં વિજીલન્સની ટીમના કર્મચારીઓને ધક્કામારી નીચે પાડી દીધા હતા.
ઉલ્લેખનીય છે કે, બે મહિના પહેલા પણ જર્મન વિભાગના વિદ્યાર્થીઓએ હેડ ઓફિસ ખાતે દેખાવો કર્યા હતા. જોકે સત્તાધીશો એ તેમની માંગણી પર ધ્યાન નહીં આપતા આજે મારા મારી સુધી વાત પહોંચી હતી.