- ગાંધીઘામ-બેંગ્લોર એક્સપ્રેસ ટ્રેનના રિઝર્વેશન કોચમાં બે પ્રવાસી પાસે ટિકિટ માંગતા કહ્યું, ઉતાવળમાં ટ્રેન પકડી એટલે ટિકિટ લીધી નથી
ગાંધીઘામ-બેંગ્લોર એક્સપ્રેસ ટ્રેનના રિઝર્વેશન કોચમાં ટિકિટ વગર ઝડપાયેલા બે પ્રવાસીઓને દંડ ભરવાનું કહેતાં મહિલા ટીટીઇ અને બે પ્રવાસી વચ્ચે ઉગ્ર બોલાચાલી અને મારામારી વડોદરા રેલવે સ્ટેશન પર થતા જાહેરમાં તમાશો થયો હતો.
વડોદરાના નવાપુરા વિસ્તારમાં પ્રેરણા કોમ્પ્લેક્સમાં રહેતા ટીટીઇ મંજુલા સુરેશભાઇ ચૌહાણે રેલવે પોલીસમાં નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના વિજલપોર ગામે મારૂતિનગરમાં રહેતા અર્ચના મહેશભાઇ પાટિલ અને તેના ભાઇ મંજુલા સુરેશભાઇ ચૌહાણ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ટ્રેનમાં હું પ્રવાસીઓની ટિકિટ ચેક કરતી હતી ત્યારે દરવાજા પાસે ઊભેલા બે પ્રવાસીઓ પાસે ટિકિટ માંગતા બંનેએ અમે અમદાવાદથી ઉતાવળમાં ટ્રેન પકડી એટલે ટિકિટ લીધી નથી તેમ કહ્યું હતું જેથી મેં બંનેને ક્યાં જવાનું છે તેમ પૂછતાં બંનેએ વડોદરા જવાનું છે તેમ જણાવતા મેં રૂપિયા ૧૦૫૦ દંડ ભરવાનું કહ્યું હતું.
આ વખતે અર્ચનાબેને દંડ ઓછો કરવાનું કહ્યુ ત્યારે વડોદરા રેલવે સ્ટેશન આવી જતા બંનેએ અમારે સુરત જવાનું છે તેમ કહી દંડ ઓછો કરવાનું ફરી જણાવેલ આ વખતે મેં દંડ ભરીને તમે સુરત જાઓ તેમ કહેતાં બંનેએ અપશબ્દો બોલવાનું શરૂ કર્યું હતું અને રાધેશ્યામે તેની બહેનને તું ટ્રેનમાં બેસી જા હું ટીટીઈને જોઇ લઇશે તેમ કહેતાં મેં બંનેને રોકતા રાધેશ્યામે મને તમાચો મારી દીધો હતો અને તેની બહેને મારો કોલર પકડી ધમકી આપી હતી.
સામે પક્ષે અર્ચના પાટિલે ટીટીઇ મંજુલા ચૌહાણ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે હું અને મારો ભાઇ બંને અમદાવાદથી સુરત જતા હતા અને ઉતાવળમાં ટ્રેનમાં ટિકિટ વગર ચડતા દરવાજા પાસે ઊભા રહીને મુસાફરી કરતાં હતાં.
આ વખતે ટીટીઇએ અમારી પાસે ટિકિટ નહી હોવાથી દંડ ભરવા કહ્યું હતું પરંતુ અમે દંડ ઓછો કરવાની વિનંતી કરી હતી. દરમિયાન ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન આવી જતા ટીટીઇએ અમને બંનેને ઉતારી દીધા હતા અને દંડ ભરવાનું કહી અપશબ્દો બોલી મારા કપડાં પકડીને ખેંચીને ટીટીઇની ઓફિસમાં પબ્લિકની વચ્ચે લઇ ગયા હતાં અને ટીટીઇએ તને હું જોઇ લઇશ હું કહું છું એ દંડ ભરવો જ પડશે તેમ કહી મને ઇજા પહોંચાડી હતી.