- ઢોર પાર્ટીની ટીમે બે ગાયોને પકડતા ભરવાડો ગાયો છોડાવી ગયા હતા
શહેરના દંતેશ્વર વિસ્તારમાં બે દિવસ પહેલા ઢોર પકડવા ગયેલ ઢોર પાર્ટીની ટીમ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં પશુપાલકે ગડદાપાટુનો માર માર્યો હતો અને છુટ્ટો પથ્થર મારવાનો પણ પ્રયાસ કર્યો હતો. સાથે જ અહીંથી પશુને લઈ જશો તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ ઘટનાના વીડિયો સામે આવ્યા છે. જેમાં પશુપાલકો ઢોર છોડાવવાનો પ્રયાસ કરે છે. આ ઘટનાને પગલે કેટલ ઇન્સ્પેક્ટરે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વડોદરા પાલિકામાં કેટલ ઇસ્પેક્ટર તરીકે ફરજ બજાવતા અમિત બ્રહ્મભટ્ટે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદમાં નોંધાવી છે કે, બપોરની શિફ્ટમાં અમે કેટલ વિભાગના સુપરવાઇઝર સાથે મળી ઢોર પકડવાની કામગીરી માટે આઠ કર્મચારીઓ સાથે અલગ-અલગ વાહન લઇ નીકળ્યા હતા. સાથે જ પોલીસના બે જવાનો પણ સિક્યુરિટી માટે અમારી સાથે આવ્યા હતા. અમે રખડતા ઢોર પકડવાની કાર્યવાહી કરી રહ્યા હતા.
આ દરમિયાન વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં આવેલી સોસાયટીના નાકા પાસે રખડતી બે ગાયોને પકડી પાડી હતી અને અમે બંને ગાયોને અલગ-અલગ વાહન પાસે બાંધી હતી. તે દરમિયાન નવધણ દેવાભાઈ ભરવાડ ત્યાં આવીને અમારી કામગીરીમાં અવરોધ ઊભો કર્યો હતો અને ગાયો છોડાવવાની કોશિશ કરી હતી. આ સાથે તેઓએ કહ્યું કે, અમારી કેટલી ગાયો તમે લઈ જશો? તેમ કહેતા અધિકારીએ અમે અમારી કામગીરી કરી રહ્યા છે, તેવું જણાવ્યું હતું. તે દરમિયાન તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને તેની સાથે આવેલા અન્ય ત્રણ શખસ અમારી કામગીરીમાં અવરોધ રૂપ બન્યા હતા. આ દરમિયાન અન્ય ત્રણ શખસે અભદ્ર વર્તન કર્યું હતું અને ગડદા પાટુનો માર માર્યો હતો. તે દરમિયાન અન્ય કર્મચારીઓ અમને છોડાવવાની કોશિશ કરી હતી. તેઓએ અમને ધમકી આપી હતી કે, 'જો તમે આજે અમારી ગાયો લઈ જશો તો અહીંથી તમને જીવતા જવા દઈશું નહીં. દરમિયાન અમે પોલીસ પીસીઆર બોલાવતા જ તેઓ ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના ઢોર પાર્ટીના કર્મચારીના મોબાઇલમાં કેદ થઈ ગઈ હતી. આ બનાવને લઈ મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ઢોર પાર્ટી પર વારંવાર હુમલાની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે કોર્પોરેશન દ્વારા ઢોર પાર્ટીના કર્મચારીઓને લઈ જતા વાહનો પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવે છે. હાલમાં આ વાહનો પરના સીસીટીવી કેમેરા શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહ્યા છે અને આવી ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે. ત્યારે કોર્પોરેશન આ બાબતે યોગ્ય જવાબદારી લે તો આવા હુમલો કરનાર તત્વો પર લગામ લાગી શકે છે.