- સિટી બસનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ ગયો હોવા છતાં કોર્પોરેશનના અધિકારી શાસકો છેલ્લા બે વર્ષથી કોન્ટ્રાક્ટરને એકસટેન્શન આપ્યા કરે છે..!!
વડોદરા શહેરમાં શહેરીજનો માટે ટ્રાન્સપોર્ટેશન સુવિધા મોંઘી થવા જઈ રહી છે. લોકસભાની ચૂંટણી ટાણે વડોદરામાં સિટી બસની મુસાફરી મોંઘી થવાની છે. આ સિટિબસ સેવાની સંચાલન વિનાયક લોજિસ્ેિટક્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે. 1 એપ્રિલથી સિટી બસનું મિનિમમ ભાડું 5 રૂપિયાના બદલે 7 રૂપિયા કરવાનું નક્કી કર્યું છે. આ અંગે પાલિકાની સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ કંપનીના સીઇઓને પત્ર લખ્યો છે. જેમાં નવો ભાવ 1 એપ્રીલથી લાગુ કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે.
શહેરમાં ચાલતી ખાનગી સિટિ બસ સર્વિસ દ્વારા તારીખ ૧ એપ્રિલથી ટિકિટના મિનિમમ ભાડામાં બે રૂપિયા વધારો કરવામાં આવશે. વડોદરા સ્માર્ટ સિટિ ડેવલપમેન્ટ કંપનીના સીઈઓને આ સંદર્ભે સિટિ બસના સંચાલકો દ્વારા એક પત્ર લખીને આ અંગેની જાણ કરવામાં આવી છે. મિનિમમ ભાડા બાદ પ્રતિ બે કિમીએ રૂપિયા એકનો વધારો થશે. ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં રોજ એક લાખથી પણ વધુ નાગરિકો સિટી બસ સેવાનો ઉપયોગ કરે છે. શહેરના વિવિધ રૂટ પર અંદાજિત 130 જેટલી સિટી બસો હાલમાં ચાલી રહી છે. છેલ્લા ઘણા સમયથી સિટી બસનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ ગયો હોવા છતાં કોર્પોરેશનના અધિકારી શાસકો છેલ્લા બે વર્ષથી કોન્ટ્રાક્ટરને એકસટેન્શન આપ્યા કરે છે.
સિટી બસના કોન્ટ્રાક્ટરે ગઈકાલે સ્માર્ટ સિટી વડોદરાના સીઈઓ અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એચ. જે. પ્રજાપતિ, પાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડો. શીતલ મિસ્ત્રીને પત્ર લખી 1 એપ્રિલથી સિટી બસના ટિકિટના મિનિમમ ભાડામાં પ્રતિ 2 કિલોમીટરના 5 રૂપિયાના બદલે 7 રૂપિયા કરવામાં આવશે તેવી જાણ કરી છે. ત્યારબાદ બીજા સ્ટેજમાં દર બે કિલોમીટરે 1 રૂપિયા વધારવામાં આવશે. જેથી સિટી બસમાં મુસાફરી કરતા નાગરિકોને હવે ટિકિટના વધુ રૂપિયા ચૂકવવા પડશે.
કોન્ટ્રાક્ટર દ્વારા આપેલા પત્રમાં જણાવાયું છે કે, આર્થિક નુકસાન સરભર કરવા માટે સિટી બસ સર્વિસના હાલના ટિકિટના ભાડામાં 1 એપ્રીલથી વધારો કરવા જઇ રહ્યા છે. રાજ્ય સરકારના ભાડા દર મુજબ સિટી બસ સેવામાં પ્રથમ સ્ટેજ, એટલે કે 2 કિમીના મિનિમમ રૂ.7 છે. જે હાલ વિનાયક લોજિસ્ટીક્સ દ્વારા મિનિમમ રૂ.5 લેવામાં આવી રહ્યા છે. 1 એપ્રીલથી સિટી બસ સેવાના દરેક રૂટના દરમાં વધારો કરી મિનિમમ રૂ.7 કરી દેવામાં આવશે. ત્યાર બાદ સ્ટેજ વાઇઝ રૂ.1નો વધારો કરવામાં આવનાર છે.
આ અંગે પાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, વડોદરા સ્માર્ટસિટી પ્રોજેક્ટ હેઠળ વિનાયક લોજિસ્ટિક્સ દ્વારા સિટી બસ સેવા પૂરી પાડવામાં આવી રહી છે. કોન્ટ્રાક્ટરે ભાડું વધારવા માટે અમને ઈ-મેઈલ દ્વારા જાણકારી આપી છે અને જેમાં સ્ટેજ પ્રમાણે ભાડું વધારવાની વાત કરી છે. હાલમાં સરકારી બસ GSRTC સેવામાં પ્રથમ સ્ટેજનો ભાવ 7 રૂપિયા ચાલી રહ્યો છે. જે પ્રમાણેનો રેટ કોન્ટ્રાક્ટર 5 રૂપિયામાંથી વધારી 7 રૂપિયા કરવા માંગે છે અને તે ભાડું વધારી શકે છે. કોન્ટ્રાક્ટરને સમયસર બિલના નાણાં ચૂકવાય છે એટલે આક્ષેપો ખોટા છે.
સિટી બસ સેવાને પ્રથમ 5 વર્ષ પૂર્ણ થતાં VSCDLએ તા. 30/09/22ના રોજ કરાર પૂર્ણ કરી દીધો છે. ત્યાર બાદ ત્રુટક ત્રુટક સમયગાળા માટે કરાર લંબાવવામાં આવે છે. એક તરફી એક્સટેન્શનનો સ્વીકાર નહીં કરવા માટે પત્ર અને ઇમેલ મારફતે જાણ કરવામાં આવી છે. વીજીએફમાં વધારો અને ફ્યુલ ડિફરન્સ એવરેજ રૂ. 4 કિમી પ્રતિ કિલો/ લીટર કરવા સાથે જ પેન્ડિંગ બિલોની ચૂકવણીને લઇને કોઇ2 નિર્ણય લીધા વગર એક તરફી એક્સટેન્શન આપવામાં આવે છે. જેના કારણે આર્થિક નુકસાની વેઠવી પડી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સિટી બસ કોન્ટ્રાક્ટર અને પાલિકા વચ્ચેના વિવાદના કારણે નાગરિકોને લોકસભા ચૂંટણી સમયે સિટી બસની મોંઘી મુસાફરી કરવાનો વખત આવશે. ત્યારે કોર્પોરેશનના શાસકોએ દરમિયાનગીરી કરી નાગરિકોના હિતમાં યોગ્ય નિર્ણય લેવાય તે પ્રકારે કામગીરી કરવી જોઈએ.