વડોદરા પાલિકામાં પ્રૌઢના મોત મામલે શહેર કોંગ્રેસનો વિરોધ, જવાબદારો સામે ફરિયાદ દાખલ કરવા માગ

બેનરમાં પાણી માટે પ્રાણની આહુતિ સ્લોગન લખી કલેક્ટર કચેરીએ કોંગ્રેસે વિરોધ કર્યો

MailVadodara.com - City-Congress-protests-against-the-death-of-Praudh-in-Vadodara-Municipality-wants-to-file-a-complaint-against-those-responsible

- વારસિયા રોડ પર આવેલી સુરુચિ સોસાયટીમાં 2 મહિનાથી પાણીની સમસ્યાનો ઉકેલ ન આવતાં સોમવારે રજૂઆત માટે આવેલા રહીશો પૈકી પ્રૌઢનું મોત થયું હતું

- કોંગ્રેસની માંગ : પરિવારને વળતર આપો


વડોદરાના વારસિયા રોડ પર આવેલી સુરુચિ સોસાયટીમાં 2 મહિનાથી પાણીની સમસ્યાનો ઉકેલ ન આવતાં રજૂઆત કરવા માટે પહોંચેલા રહીશો પૈકી પ્રૌઢનું મોત થયું હતું. આ મામલે આજે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા બેનરોમાં પાણી માટે પ્રાણની આહુતિ જેવા સ્લોગન લખીને કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને આવેદનપત્ર આપ્યું હતું. આ સાથે સ્થાયી સમિતિના ચેરમેન અને અધિકારી સામે પોલીસ ફરિયાદ કરવાની માંગણી કરી અને ભારે સુત્રોચ્ચારો કર્યાં હતા.

વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષીએ કહ્યું કે, વડોદરા શહેરમાં છેલ્લા 25 વર્ષથી ભાજપનું શાસન છે. તેમ છતાં આ નેતાઓ વડોદરા શહેરને 2 ટાઇમ ચોખ્ખુ પીવાનું પાણી આપી શકતા નથી. હરણી બોટકાંડમાં 12 બાળકો સહિત 14 લોકોએ જીવ ગુમાવ્યા, તેમાં તો હજી પરિવારજનોને ન્યાય મળ્યો નથી અને આ એક વ્યક્તિનું મૃત્યુ ચોખ્ખા પાણી માટે થયું છે.


તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, વોર્ડ નં-6માં પાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન કોર્પોરેટર છે. એમને શરમ આવવી જોઇએ. સ્થાનિક લોકો 2થી 3 મહિનાથી રજૂઆત કરતા હતા, ત્યારે આ લોકોએ તેમની સાથે ઉદ્ધતાઇભર્યું વર્તન કર્યું, તેમના ફોનના જવાબ ન આપ્યા. ભાજપની ચૂંટાયેલી પાંખના કોર્પોરેટર અને અધિકારીઓ બધા આના માટે જવાબદાર છે. જેથી કોંગ્રેસની માંગણી છે કે, આ પરિવારને તમે વળતર આપો. આ પરિવારમાં માત્ર બે મહિલાઓ જે ઘર કેવી રીતે ચલાવશે? આ ઉપરાંત આ વિસ્તારમાં ચોખ્ખુ પાણી તાત્કાલિક મળવું જોઇએ.


તેઓએ ઉમેર્યું હતું કે, આ લોકોએ તાજેતરમાં જ કરોડો રૂપિયાનું બજેટ મંજૂર કર્યું. મોટા મોટા હોર્ડિંગ્સ લગાવે છે અને કરોડોની જાહેરાત કરે છે. તો બે ટાઇમ પીવાનું ચોખ્ખુ પાણી આપી શકતા નથી. એટલુ તો આ લોકોમાં પાણી નથી. સ્થાયી ચેરમેન અને અધિકારી સામે પોલીસ ફરિયાદ થવી જોઇએ. અમે પ્રજાને જાગૃત કરવા માટે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.


ઉલ્લેખનિય છે કે, સોમવારે વડોદરાના વારસીયા વિસ્તારની સુરુચિ પાર્કના રહીશો મોરચા સ્વરૂપે પહોંચ્યા હતા અને પાણીની માગ સાથે કાઉન્સિલરોનો ઘેરાવ કરી ઉગ્ર રજૂઆત કરી હતી. આ દરમિયાન 52 વર્ષના પ્રૌઢ શંકરભાઇનું મૃત્યુ થયું હતું. તેથી વડોદરા શહેર કોંગ્રેસે કલેક્ટર કચેરી ખાતે પહોંચીને કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં પ્રમુખ ઋત્વિજ જોષી, વિપક્ષનાં નેતા અમી રાવત, પૂર્વ વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, કાઉન્સિલરો અને કાર્યકર્તાએ બેનર સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.

Share :

Leave a Comments