- રાવપુરા સ્થિત ખાદી ગ્રામોદ્યોગ ભંડારમાં નાનામાં નાના રૂપિયા 200થી લઈને મોટામાં મોટા 34,400ની કિંમતના રાષ્ટ્ર ધ્વજ બારે માસ ઉપલબ્ધ હોય છે
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગાના આહવાનને પગલે નાગરિકોનો રાષ્ટ્રધ્વજ ખરીદવા ભારે ધસારો જોવા મળી રહ્યો છે. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આગામી તા.15મી ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગાના આહવાનને નાગરિકોએ હૃદયપૂર્વક સ્વીકારી લીધું છે. જેના પગલે તિરંગાની ધૂમ ખરીદીના પગલે કારીગરો રાઉન્ડ ધ ક્લોક તિરંગા તૈયાર કરી રહ્યા છે.
અમારા ખાદી ભંડારમાં નાનામાં નાના રૂ.200થી લઈને મોટામાં મોટા રૂ.34,400ની કિંમતના રાષ્ટ્ર ધ્વજ, વિવિધ માન્ય માપ પ્રમાણે નિર્ધારિત કિંમતે માત્ર રાષ્ટ્રીય પર્વો નહિ પણ લગભગ બારે માસ ઉપલબ્ધિ પ્રમાણે વેચવામાં આવે છે તેવી જાણકારી આપતાં મેનેજર રાકેશ પટેલે જણાવ્યું કે અમે ભારત સરકારે માન્ય કરેલા હુબલી (કર્ણાટક) અને મુંબઈ કે ડી.પી.ની બનાવટના રાષ્ટ્ર ધ્વજનું વેચાણ કરીએ છે. આ ધ્વજ શુદ્ધ ખાદીના કાપડમાંથી આ સંસ્થાઓ બનાવે છે.
વડોદરા જિલ્લા ખાદી ગ્રામોદ્યોગ સહકારી સંઘ સંચાલિત રાવપુરા પોલીસ મથકને અડીને આવેલા ખાદી ભંડારના વ્યવસ્થાપકો લોકો, મંડળો, કચેરીઓ, સંસ્થાઓની માંગ પ્રમાણે માન્ય રાષ્ટ્રધ્વજ ઉપલબ્ધ કરાવવા કમર કસી રહ્યાં છે. આ ખાદી ભંડારમાં નાનામાં નાના તિરંગાની કિંમત 200થી લઈને મોટામાં મોટા રૂ. 34,400ની કિંમતના રાષ્ટ્ર ધ્વજ, વિવિધ માન્ય માપ પ્રમાણે નિર્ધારિત કિંમતે માત્ર રાષ્ટ્રીય પર્વો નહિ પણ લગભગ બારે માસ ઉપલબ્ધિ પ્રમાણે વેચવામાં આવે છે. મોટેભાગે રાષ્ટ્રીય પર્વો પ્રસંગે રાષ્ટ્ર ધ્વજનું વેચાણ થાય છે. જ્યારે ક્રિકેટ મેચ હોય, અન્ય કોઈ રાષ્ટ્ર ભાવના સાથે સંકળાયેલા ઉત્સવો હોય ત્યારે પણ નાના મોટા ધ્વજની માંગ નીકળે છે.
હર ઘર તિરંગા અભિયાનને પગલે અત્યારથી જ મોટા પ્રમાણમાં રાષ્ટ્ર ધ્વજ માટે પૃચ્છા આવી રહી છે. ઉપરોક્ત બંને સંસ્થાઓ પાસેથી એક મર્યાદિત પ્રમાણમાં રાષ્ટ્ર ધ્વજ મળવાની શક્યતા છે. જો કે ભારત સરકારે હાલમાં રાષ્ટ્ર ધ્વજ માટે શુદ્ધ ખાદી ઉપરાંત સાટિન સહિતના અન્ય કાપડને મંજૂરી આપી છે. એટલે અમે અન્ય પ્રકારના માન્ય કાપડમાંથી માન્ય માપના રાષ્ટ્ર ધ્વજ બનાવનાર એકમો પાસેથી પુરવઠો મેળવવાના પ્રયતો શરૂ કર્યાં છે. માંગને પહોંચી વળવા અમે શક્ય તેટલા બધાં પ્રયતો કરીશું. અત્યાર સુધી મોટે ભાગે શુદ્ધ કોટન ખાદી અને રેશમી ખાદીમાં રાષ્ટ્ર ધ્વજ વેચાય છે. તેમાં પણ રેશમી ખાદીના ઝંડાનું વેચાણ ઓછું હોય છે. ખાદી ભંડારમાં ધ્વજ ઉપરાંત ઝંડો ફરકાવવા માટેની ગરગડી જેવી એસેસરીઝ પણ વેચવામાં આવે છે.
રાકેશભાઈએ જણાવ્યું કે અમે 20 ફૂટની લંબાઈ સુધીના ધ્વજ સ્તંભ પણ ઓર્ડર પ્રમાણે ઉપલબ્ધ કરાવવાની સાથે ધ્વજને કેવી રીતે ઘડી વાળવો, સ્તંભ પર કેવી રીતે બાંધવો, કયા નિયમો પાળવા ઇત્યાદિનું માર્ગદર્શન પણ સંસ્થાઓને આપીએ છે. આ ઉપરાંત ઓફિસ પર કે ઘરમાં ટેબલ પર મૂકી શકાય તેવા, ખમીસના બટન કે ખીસા પર લગાડી શકાય તેવા કારમાં ડેશ બોર્ડ પર લગાવવા માટેના ક્રોસ ફ્લેગ પણ રાખીએ છે.