- નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિએ એક્સચેંજ મેળામાં ખાસ બેગમાં જે તે જિલ્લાને ફોર્મ સોંપ્યા
અમદાવાદ ખાતે યોજાયેલા રાજ્ય કક્ષાના પોસ્ટલ બેલેટ એક્સચેંજ મેળામાં વડોદરા બેઠકમાં મળેલા ૧૩૧૬૮ ફોર્મ રાજ્યની અન્ય ૨૫ બેઠકોને સોંપવામાં આવ્યા છે. આ ફોર્મના આધારે હવે જે તે જિલ્લામાંથી બેલેટ ઇસ્યુ થશે. પોસ્ટલ બેલેટથી મતદાન કરવા માટે સૌથી વધુ ૩૬૪૯ ફોર્મ છોટા ઉદેપુર માટે મળ્યા છે.
લોકસભાની આ સામાન્ય ચૂંટણીમાં સર્વ પ્રથમ વખત પોસ્ટલ બેલેટ એક્સચેંજ મેળો યોજવામાં આવ્યો હતો. જેમાં વડોદરાથી નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિ અન્ય ૧૨ કર્મયોગીઓ અમદાવાદ ખાતે પહોંચ્યા હતા. વડોદરાની ટીમની વિશેષતા એ હતી કે, તમામ કર્મયોગીઓ દ્વારા એક સરખા રંગના વસ્ત્રો પહેરવામાં આવ્યા હતા. તેના કારણે વડોદરાની ટીમ સૌમાં અલગ તરી આવતી હતી. વળી, ક્યુઆર કોડ ધરાવતા ઓળખપત્રો પણ ધારણ કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત, વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પોસ્ટલ બેલેટ માટે આગવી પ્રિન્ટેડ બેગ તૈયાર કરવામાં આવી હતી. આ બેગમાં જે તે જિલ્લાના ફોર્મ રાખવામાં આવ્યા હતા અને બેગ ઉપર ઇન્ડેક્સ પણ આપવામાં આવી હતી. આના કારણે ફોર્મ આપલે કરવામાં સરળતા રહી હતી. વડોદરા જિલ્લા ચૂંટણી તંત્રની આ પહેલની મુખ્ય ચૂંટણી અધિકારી સુશ્રી પી. ભારતીએ પણ નોંધ લીધી હતી.
વડોદરા બેઠક ઉપર ફરજ ઉપર રોકાયેલા વિવિધ જિલ્લાના કર્મચારીઓના બેલેટ માટેના ફોર્મની વિગતો જોઇએ તો કચ્છ માટે ૫૪, બનાસકાંઠામાં ૬૦૩, પાટણમાં ૪૩૯, મહેસાણામાં ૪૩૩, સાબરકાંઠા માટે ૬૪૪, ગાંધીનગર માટે ૩૦૧, અમદાવાદ ઇસ્ટ માટે ૨૬૪, અમદાવાદ વેસ્ટમાં ૧૪૦, સુરેન્દ્રનગરમાં ૫૧૫, રાજકોટમાં ૧૧૪, પોરબંદરમાં ૧૪૧, જામનગરમાં ૮૦, જુનાગઢમાં ૨૮૯, અમરેલીમાં ૧૯૬, ભાવનગરમાં ૬૩૯, આણંદમાં ૪૪૦, ખેડામાં ૩૦૯, પંચમહાલમાં ૯૦૬, દાહોદમાં ૭૪૯, છોટાઉદેપૂરમાં ૩૬૪૯, ભરૂચમાં ૧૪૯૯, બારડોલી માટે ૩૦૧, સુરત માટે ૮૨, નવસારી માટે ૧૩૮, વલસાડ માટે ૨૪૩ ફોર્મ મોકલવામાં આવ્યા છે.