વડોદરામાં આરોગ્ય વિભાગનું ચેકીંગ; 3 ઝોનમાંથી શંકાસ્પદ અખાદ્ય ફરસાણ-મીઠાઈના નમૂના લીધા

દિવાળી પર્વને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આરોગ્ય વિભાગની કાર્યવાહી

MailVadodara.com - Checking-of-health-department-in-Vadodara-Samples-of-suspected-inedible-farsan-sweets-were-taken-from-3-zones

- આરોગ્ય વિભાગની 3 ટીમોએ સરદાર એસ્ટેટ, ગોરવા અને મકરપુરામાં આવેલ GIDC મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ અને ગૃહ ઉદ્યોગો પર કાર્યવાહી કરી


દિવાળી પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ જાગ્યું છે. શહેરના વિવિધ ત્રણ ઝોનમાં હાલમાં આરોગ્ય વિભાગના ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં જીઆઇડીસી વિસ્તારમાં આવેલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ અને ગૃહ ઉદ્યોગો પર ચેકીંગ હાથ ધરી ફરસાણ અને મીઠાઈના નમૂના લેવામાં આવી રહ્યા છે.


વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં દિવાળી તહેવારને અનુલક્ષીને જનતાનાં આરોગ્યની સુખાકારી ધ્યાને લઈ અગાઉથી જ મ્યુનિસિપલ કમિશનરની સૂચનાઓ આધારે ખોરાક શાખાનાં ફૂડ સેફટી ઓફીસરો દ્વારા શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં ટીમો બનાવી દિવાળીમાં ખાસ વેચાતી મીઠાઈઓ સામે લાલ આંખ કરી કાર્યવાહી હાથ ધરી છે. જેમાં બરફી, ડિલીશીયસ સ્વીટ, મીઠા માવા, માવો, હલવો વગેરેનું વેચાણ કરતી દુકાનો તેમજ કોલ્ડ સ્ટોરેજોમાં ઇન્સ્પેકશનની કામગીરી ક૨વામાં આવી આવી રહી છે.


દિવાળી પર્વમાં ખૂબ મોટા પ્રમાણમાં મીઠાઈનું વેચાણ થતું હોવાથી તેમાં ભેળસેવ યુક્ત મીઠાઈ કે ખાદ્ય પદાર્થો બેફામ વેપારીઓ દ્વારા વેચવામાં આવતા હોય છે. જેના પરિણામે લોકોના આરોગ્ય સાથે ચેડાં થાય છે. આ સ્વાસ્થ્યને જોખમરૂપ સાબિત ન થાય તે માટે આજે આરોગ્ય વિભાગ દ્વારા શહેરના સરદાર એસ્ટેટ, ગોરવા અને મકરપુરા સહિતના વિસ્તારોમાં ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. અગાઉ પણ નવરાત્રી પર્વમાં આરોગ્ય વિભાગ દ્વારા તેલના વેપારીઓ અને લારીધારકો સામે કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગે આરોગ્ય વિભાગના એડિશનલ ફૂડ સેફટી ઓફિસર ડો.મુકેશ વૈધે જણાવ્યું હતું કે, હાલમાં દિવાળી પર્વને લઇ આરોગ્ય વિભાગની ત્રણ ટીમો કામગીરી કરી રહી છે. જેમાં શહેરના પૂર્વ વિસ્તારમાં સરદાર એસ્ટેટ, પશ્ચિમ વિસ્તારમાં ગોરવા અને મકરપુરા વિસ્તારમાં આવેલ જીઆઇડીસી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલમાં શંકાસ્પદ અખાદ્ય પદાર્થના નમૂના લેવામાં આવી રહ્યા છે અને તેના ઝડપી પરિણામ આવે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.


ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાંથી બરફી, ડિશીશીયસ સ્વીટ, મીઠા માવા, માવો, હલવો વગેરેના 17 જેટલા નમૂના લેવામાં આવ્યા હતા. જે નમુનાઓને પૃથ્થકરણ અર્થે પબ્લીક હેલ્થ લેબોરેટરી, ફતેગંજમાં મોકલી આપવામાં આવ્યા છે જેના હજુ પરિણામો જાહેર કરવામાં આવ્યા નથી. આ સાથે 46 લાખ ઉપરાંતની કિંમતનો કુલ 29,528 કિલોગ્રામ શંકાસ્પદ જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો.

Share :

Leave a Comments