- આચાર સંહિતા લાગુ થતા 300 સ્કૂલોની ફી વધારાની દરખાસ્તો પણ અટવાઈ ગઈ
મધ્ય ગુજરાત ઝોનની એફઆરસી (ફી રેગ્યુલેશન કમિટિ)માં ત્રણ સભ્યોની જગ્યા સપ્ટેમ્બર મહિનાથી ખાલી પડી છે. આ બાબતે વારંવાર શિક્ષણ વિભાગનુ ધ્યાન દોરવામાં આવ્યું હતું. આમ છતાં આ સભ્યોની નિમણૂંક કરવામાં આવી નથી. હાલ લોકસભા ચૂંટણીની આચાર સંહિતા પણ લાગુ થઈ ચુકી છે. આમ સરકાર આચાર સંહિતા ઉઠી ગયા બાદ તરત સભ્યોની નિમણૂંક કરે તો પણ જુલાઈ મહિના સુધીમાં સ્કૂલોની ફી નક્કી નહીં થઈ શકે અને ત્યાં સુધીમાં નવુ શૈક્ષણિક વર્ષ પણ શરુ થઈ ગયુ હશે.
મધ્ય ગુજરાત ઝોનની ફી કમિટિમાં વડોદરા સહિત સાત જિલ્લાઓની સ્કૂલોનો સમાવેશ થયો છે. સરકારે નક્કી કરેલી મર્યાદામાં ફી લેતી સ્કૂલોએ એફઆરસી સમક્ષ સોગંદનામું કરવાનું હોય છે અને મર્યાદા કરતા વધારે ફી લેતી સ્કૂલોએ દરખાસ્ત રજૂ કરવાની હોય છે. આ વખતે મધ્ય ગુજરાત એફઆરસી સમક્ષ 1900 જેટલી સ્કૂલોએ સોગંદનામા રજૂ કર્યા છે અને 300 જેટલી સ્કૂલોએ ફી વધારા માટેની દરકાસ્તો રજૂ કરી છે. જેમાં વડોદરાની જ 150 કરતા વધારે સ્કૂલોનો સમાવેશ થાય છે.
એફઆરસીના સૂત્રોનુ કહેવુ છે કે, સોગંદનામા રજૂ કરનાર સ્કૂલોની ફી મંજૂર કરવા માટે એફઆરસીની બેઠક બોલાવવાની જરુર નથી પણ સ્કૂલોની ફી વધારાની દરખાસ્ત મંજૂર કરવા માટે બેઠક બોલાવવી પડતી હોય છે અને ત્રણ સભ્યોની જગ્યા ખાલી હોવાથી ફી વધારાની દરખાસ્તો અટવાઈ ગઈ છે. બીજી તરફ સ્કૂલો દરખાસ્ત મંજૂર થયાની રાહ જોયા વગર પોતાની જાતે જ નક્કી કરેલી ફી વાલીઓ પાસેથી માંગવા માંડશે અને તેના કારણે આગામી દિવસોમાં સ્કૂલો અને વાલીઓ વચ્ચે ઘર્ષણ થવાની ફરી ઘર્ષણ જોવા મળે તેવી શક્યતાઓ છે.