- સ્થળ પરથી ચંપલ અને કપડા મળી આવ્યા, ઘટનાને પગલે ગામ લોકો ભેગા થઈ ગયા
વડોદરા પાસે આવેલા કોટલીથી કામરોલ ગામેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મગરે મહિલાનો શિકાર કર્યો હોવાનો બનાવ બનતા ફોરેસ્ટ વિભાગે ફાયર બ્રિગેડની મદદ લીધી છે. આ બનાવ ગઇકાલે સાંજે બન્યો હતો અને હજુ સુધી ફાયર વિભાગની ટીમ આધેડ મહિલાની શોધખોળ કરી રહી છે.
વડોદરા પાસેના કામરોલ ગામેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં વારંવાર મગરો દેખા દેતા હોય છે. અહીં ખેતરો સાચવવા માટે કેટલાક શ્રમજીવી પરિવારો પણ રહેતા હોય છે. ગઈકાલે મોડી સાંજે મેઘલીબેન ભિલાલા નામની આધેડ મહિલા પશુ ચરાવતા હતા, તે દરમિયાન એક ઢોર સામે કિનારે જતું રહેતા તેને લેવા નદી ક્રોસ કરવાં જતા તેઓને એક મગર નદીમાં ખેંચી ગયો હોવાનું સ્થાનિકોનું કહેવું છે. આ બનાવના મેસેજ મળતાં જ ગામ લોકો ભેગા થઈ ગયા હતા. બનાવની જાણ ફોરેસ્ટ વિભાગને કરાતા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી છે. પાણીગેટ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કામરોલ, કોટાલી તેમજ માંગરોલ ગામ સુધી શોધખોળ કરવામાં આવી રહી છે. હાલમાં પણ ફાયર વિભાગની એક ટીમ કામગિરી કરી રહી છે.
આ અંગે પાણીગેટ ફાયર વિભાગમાં કામ કરતાં સર સૈનિક સુરેશભાઈએ જણાવ્યું હતું કે, આ 52 વર્ષીય આધેડ મહિલા ઢોર ચડાવવા ગઈ હતી અને તે દરમિયાન આ ઘટના બની હતી. આ બનાવ અંગે અમને કોલ મળતા ગઈકાલે સાંજથી કામગીરી કરી રહ્યાં છીએ. સ્થાનિકોનું કહેવું છે કે, આ વિશ્વામિત્રી નદીમાં મગર મહિલાને ખેંચી ગયો છે. સ્થળ પરથી ચંપલ અને કપડા મળી આવ્યા છે અને હાલમાં શોધખોળ ચાલી રહી છે. આ સમગ્ર મામલે હાલમાં વડોદરા શહેર પાણીગેટ ફાયર વિભાગની ટીમ, ફોરેસ્ટ વિભાગની ટીમ અને સ્થાનિક પોલીસ હાલમાં કામગીરી કરી રહી છે અને આધેડ મહિલાની શોધખોળ ચાલી રહી છે.