- પાલિકાની ટીમે 8 ગાયો કબજે કરી પશુપાલકોને રૂપિયા 4000નો દંડ ફટકાર્યો હતો
શહેરના ઉંડેરા તળાવ રામદેવ પાર્ક નજીકથી ગત સોમવારે એક્ટિવા ઉપર પસાર થતી યુવતીને ગાયે અડફેટમાં લેતા તેનું ટુંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ચકચારી ઘટનાને પગલે પાલિકા દ્વારા ઉંડેરા ગામના 3 ઢોરવાડા તોડી નાંખી 8 ગાયો કબ્જે કરી પશુપાલકને રૂપિયા 4000નો દંડ ફટકારતા પશુપાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
મળેલી માહિતી પ્રમાણે કોયલી, ઝવેરપુરા, ભારત પેટ્રોલ પંપ નજીક રહેતા સુરેખાબેન ગણપતભાઇ સોલંકી (ઉ.વ. 32) સોમવારે પોતાની એક્ટિવા લઇ ગોત્રી જવા માટે નીકળ્યા હતા. ત્યારે ઉંડેરા તળાવ નજીક અચાનક ધસી આવેલી ગાયને કારણે સુરેખાબેન સોલંકી એક્ટિવા સાથે રોડ ઉપર પટકાતા તેમને ગંભીર હાલતમાં 108ની મદદથી સારવાર માટે સયાજી હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. જવાહરનગર પોલીસે બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અકસ્માત જે સ્થળે થયો ત્યાં મોટાપાયે પશુપાલકોના ઢોરવાડા હોવાને કારણે તેઓ ઢોરને છુટા મુકી દેતા હોવાથી આ ઘટના બની હોવાથી લોકોમાં રોષની લાગણી ભભૂકી ઉઠ્યો હતો. જેને લઇ શુક્રવારે પાલિકાના અધિકારી દેવુભા ઝાલા અને તેમની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે ઉંડેરા તળાવ નજીકના ત્રણ ઢોરવાડા તોડી પાડ્યા હતા તેમજ 8 ગાયો પણ કબ્જે લેવામાં આવી હતી. પશુપાલકોને રૂપિયા 4000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. પાલિકા દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને પગલે ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા. જોકે , પોલીસ બંદોબસ્ત હોવાથી કોઇ અપ્રિય ઘટના બની ન હતી.