- પોલીસે આરોપી સમીર દિવાન પાસેથી ગાંજો, એક્ટિવા અને મોબાઇલ સહિત કુલ 34,420 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો
વડોદરા શહેરમાં એક્ટિવામાં ગાંજો રાખીને તેનું વેચાણ કરતા આરોપી સમીર દિવાનને ગાંજાના જથ્થા સાથે વડોદરા ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યો છે.
વડોદરા ક્રાઇમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે, વડોદરાના આજવા રોડ પર આવેલા એકતાનગરમાં રહેતો સમીર હુસેનશા દિવાન (ઉ.વ.20) ન્યૂ વીઆઇપી રોડ પર મિલન પાર્ટી પ્લોટની પાસે ગાંજાનું વેચાણ કરવા આવવાનો છે, જેના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમે વોચ ગોઠવીને એક્ટિવા લઇને જઈ રહેલા સમીર દિવાનને રોકીને પોલીસે તપાસ કરી હતી.
પોલીસે સ્કૂટર ચેક કરતાં રૂપિયા 4420 હજારની કિંમતનો ગાંજાનો 442.3 ગ્રામ જથ્થો મળી આવ્યો હતો. પોલીસની પૂછપરછમાં પકડાયેલા કેરિયરનું નામ સમીર હુસેનશા દિવાન (રહે. એકતાનગર, આજવા રોડ, વડોદરા, મૂળ રહે. મીઠી ખાડી, સુરત) હોવાની વિગતો ખૂલી હતી. તેની પાસે સ્કૂટર, ગાંજો ઉપરાંત એક મોબાઇલ પણ પોલીસે કબજે કર્યો હતો.
આ ગાંજો ક્યાંથી લાવ્યો તે અંગે પોલીસે સમીરને તેને જણાવ્યું હતું કે, ગાંજાનો જથ્થો પાણીગેટ રાજારાણી તળાવ પાસે રહેતા રીઝવાન દિવાને આપ્યો હોવાની વિગતો ખૂલતાં તેને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરાઇ છે. પોલીસે આરોપી સમીર દિવાન પાસેથી ગાંજો, એક્ટિવા અને મોબાઇલ સહિત કુલ 34,420 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે સમીર દિવાનની ધરપકડ કરી રિમાન્ડ માટે તજવીજ કરી છે અને મોબાઇલની કોલ્સ ડીટેલને આધારે તેના સંપર્કમાં આવેલા લોકોની તપાસ કરનાર છે.