અકોટા બ્રિજ પર નશાની હાલતમાં સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી ગઇ, બે યુવકોનો બચાવ

ગઇકાલે રાત્રે પોણા બે વાગ્યાની આસપાસ બે યુવકો ફૂલ સ્પીડે કાર લઇને નીકળ્યા હતા

MailVadodara.com - Car-overturns-after-drunk-driver-loses-control-on-Akota-Bridge-two-youths-rescued

- કાર પલટી ગયા બાદ દારૂના નશામાં ઝૂમતા કાર ચાલકે જ પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરી મદદ માગી, પોલીસે અકસ્માત અને દારૂનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી

વડોદરામાં દારૂના નશામાં બેફામ રીતે કાર હાંકતા યુવકો લોકોના જીવ જોખમમાં મૂકતા હોય છે. તેમાં પણ અકોટા બ્રિજ અને અટલ બ્રિજ ઉપર અવારનવાર અકસ્માતના બનાવો બનતા હોય છે. 

વડોદરા શહેરના અકોટા બ્રિજ ઉપર ગઈકાલે મોડી રાત્રે પોણા બે વાગે ફુલ સ્પીડે એક કાર લઈ બે યુવકો અકોટા બ્રિજ પરથી સ્ટેશન તરફ જવા માટે નીકળ્યા ત્યારે કાર ચાલકે સ્ટિઅરીંગ પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઇડર સાથે ભટકાઈને ધડાકાભેર પલટી ગઈ હતી. જોકે આ સમયે અહીંથી કોઈ વાહન પસાર થતું ન હતું કે લોકો પણ બેઠા ન હતા. જેથી મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી. વળી કાર પલટી ગયા બાદ દારૂના નશામાં ઝૂમતા કાર ચાલકે જ પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરી મદદ માગી હતી. પોલીસે તપાસ કરતા કાર ચાલક આશિષ અશોકભાઈ પટેલ મહેશ કોમ્પલેક્ષ મહાદેવ મંદિર ની પાસે વાઘોડિયા રોડ તેમજ તેનો મિત્ર રોકી યોગેશભાઈ પટેલ માણકી કોમ્પ્લેક્સ મહાવીર હોલ પાસે વાઘોડિયા રોડ નશામાં જણાઈ આવ્યા હતા. જેથી તેમની સામે અકસ્માત અને દારૂનો ગુનો નોધી કાર્યવાહી કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, અકોટા બ્રિજ ઉપર થોડા સમય પહેલા જ એક યુવક અને યુવતી કારમાં જતા હતા ત્યારે યુવકે ત્યાં બેઠેલા લોકો ઉપર કાર ચડાવી દેતા એકનું મોત નિપજ્યું હતું અને બે થી ત્રણ જણાને ઇજા થઈ હતી. આ ઉપરાંત અગાઉ પણ વાહનો પલટી જવાના તેમજ લોકોના જીવ જવાના બનાવો અહીં બનેલા છે.

Share :

Leave a Comments