- એક યુવકને સ્વિમિંગ આવડતા તેણે બહાર નીકળી બોનેટ પર ચડી મિત્રને બચાવવા બૂમાબૂમ કરી હતી જોકે કાર ડૂબવા લાગતાં યુવક સ્વિમિંગ કરી બહાર નીકળી ગયો હતો
- ફાયરની ટીમે એક કલાકની ભારે જહેમત બાદ કેતન પ્રજાપતિને બહાર કાઢી હોસ્પિટલ ખસેડતાં ફરજ પર હાજર તબીબે તેને મૃત જાહેર કર્યેા હતો, પોલીસે તપાસ શરૂ કરી
વડોદરા શહેરના ગોરવા લક્ષ્મીપુરા મુક્તિધામની બાજુમાં આવેલા તળાવમાં ગત મોડીરાત્રે એક કાર ખાબકી હતી, આ કારમાં બે યુવક સવાર હતાં, જેમાંથી એક યુવકને સ્વિમિંગ આવડતું હોવાથી તેણે કારમાંથી બહાર નીકળી કારના બોનેટ પર ચડી બૂમાબૂમ કરી કારમાં ફસાયેલા કેતન પ્રજાપતિ નામના યુવકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કાર પાણીમાં ડૂબવા લાગતાં બોનેટ પરનો યુવક સ્વિમિંગ કરીને બહાર નીકળી ગયો હતો. ઘટનાની જાણ થતાં તાત્કાલિક ત્રણ ફાયર સ્ટેશનની ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી, જેમાં એક કલાકની ભારે જહેમત બાદ ફાયરની ટીમે કેતન પ્રજાપતિને બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં ફરજ પર હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. હાલ આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
બનાવની મળતી વિગત મુજબ, વડોદરા શહેરના ગોરવા લક્ષ્મીપુરા મુક્તિધામની બાજુમાં આવેલા તળાવમાં 20 ડિસેમ્બરની મોડીરાત્રે એક કાર અચાનક જ પાણીમાં ખાબકી હોવાના મેસેજ મળતાં જ વડોદરા ફાયર અને ઇમર્જન્સી વિભાગની જીઆઇડીસી, વડીવાડી અને વાસણા કાયર સ્ટેશનની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી. એક યુવક કારમાં ફસાયેલો હોવાની માહિતી મળતાં ફાયર વિભાગની ટીમે તેની શોધખોળ શરૂ કરી હતી. એક કલાકની ભારે જહેમત બાદ કેતન પ્રજાપતિ નામના 23 વર્ષીય યુવકને ફાયર વિભાગની ટીમે બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો. આ ઘટનામાં અન્ય કારસવાર યુવક નીરજ ચોસલાને સ્વિમિંગ આવડતું હોવાથી તેણે કારમાં ફસાયેલા યુવકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કાર ડૂબવા લાગતાં તે સ્વિમિંગ કરીને તળાવમાંથી બહાર નીકળી ગયો હતો.
આ અંગે ઇન્ચાર્જ ફાયર ઓફિસર નિકુંજ આઝાદે જણાવ્યું હતું કે, વડોદરા ફાયર એન્ડ ઇમર્જન્સી વિભાગને કોલ મળતાંની સાથે જ તાત્કાલિક વડીવાડી ફાયર સ્ટેશન અને જીઆઇડીસી ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. અહીં આવી સ્થળ તપાસ અને આસપાસના લોકોના કહ્યા મુજબ જાણવા મળ્યું કે એક કાર તળાવમાં ખાબકી હતી અને એમાં ચાલક ફસાયો હતો. ભારે જહેમત બાદ અંદરથી એક યુવકને બહાર કાઢ્યો હતો અને તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ કારમાં બે વ્યક્તિ હોવાનું જાણવા મળ્યું હતું, જેમાંથી એક વ્યક્તિને સ્વિમિંગ આવડતું હોવાથી બહાર આવી ગઈ હતી, જ્યારે અન્ય એક વ્યક્તિ કારમાં ફસાઈ હતી, તેને બહાર કાઢી હોસ્પિટલ ખસેડાઈ હતી. આ યુવકનાં સગાં-સંબંધીઓ પણ અહીં છે. હાલમાં પણ અમારું સર્ચ ચાલુ છે અને ગાડીને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે.
આ રેરક્યૂ કામગીરી કરનાર અને ફાયર જવાને જણાવ્યું હતું કે, આ કામગીરી કરતાં અમને એક કલાક જેટલો સમય લાગ્યો હતો. કારની આસપાસના 20 ફૂટના એરિયાને કોર્ડન કર્યો હતો અને ત્યાર બાદ ડીપ ડાઈવિંગ કરી આ વ્યક્તિની શોધખોળ હાથ ધરી હતી. આ વ્યક્તિ મળી આવતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અન્ય સાથીદારે તેને બાંબુ વડે બચાવવાનો પ્રયારા કર્યો હતો, પરંતુ તે બચાવી શક્યો નહિ. તળાવની અંદર 20થી 25 ફૂટ જેટલું પાણી છે અને તેની અંદર ઊતરી ગાડીને પ્રથમ બાંધી અને ત્યાર બાદ આ વ્યક્તિને બહાર કાઢવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, આ ગંભીર અકસ્માતમાં તળાવમાં પડેલી ગાડી પ્રીતિબેન ચૌધરીના નામે છે અને આ આખી ઘટનામાં કુલ 6 મિત્ર કાફેમાં જમવા માટે ગયા હતા, જેમાંથી બે વ્યક્તિ ગાડીમાં હતી, જેમાં કેતન પ્રજાપતિ અને નીરજ ચોસલા બંને ગાડીમાં હતા, આ બંનેમાંથી કેતન પ્રજાપતિનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે. જ્યારે અન્ય ચાર વ્યક્તિ બાઈક ઉપર જતી હતી, જેમાં જય અજિતભાઈ ચૌધરી, ચિરાગ શાંતિલાલ વસૈયા, વિરલ પરમાર અને સમીરભાઈ ચોકસીનો સમાવેશ થાય છે. આ પૈકી વિરલ નીતિનભાઈ પરમારનો જન્મદિવસ હોવાથી આ બધા મિત્રો બહાર જમવા ગયાં હોવાનું જાણવા મળ્યું છે.