સુરસાગર તળાવમાં સેફ્ટી જેકેટ વગર સહેલાણીઓને બોટિંગ કરાવતા સાત વર્ષનો બોટિંગનો કોન્ટ્રાક્ટ રદ

હરણી તળાવમાં બનેલી દુર્ઘટના બાદ પણ કંપનીએ નિયમોનું પાલન ન કર્યું

MailVadodara.com - Cancellation-of-seven-year-boating-contract-for-boating-tourists-without-safety-jackets-in-Sursagar-Lake

- મ્યુનિ. કમિશનરે શ્રી હાઇડ્રો ડાઇવર્સ એન્ડ એન્જિનીયર્સનો કોન્ટ્રાક્ટ રદ કરવાનો હુકમ કર્યો

કંપનીને બોટના ફિટનેશ સર્ટીફિકેટો 3 દિવસમાં રજૂ કરવા માટે જણાવ્યા બાદ નિર્ધારિત સમય મર્યાદામાં સર્ટિફિકેટ રજૂ ન કરતા કાર્યવાહી કરાઇ


વડોદારા શહેરના હરણી મોટનાથ તળાવ હોડી દુર્ઘટના બાદ વડોદરા મ્યુનિસિપલ કમિશનરે પ્રથમ કાર્યવાહીના ભાગરૂપે સુરસાગર તળાવમાં બોટિંગ માટે શ્રી હાઇડ્રો ડાઇવર્સ એન્ડ એન્જિનિયર્સને આપેલો કોન્ટ્રાક્ટ રદ કરવાનો હુકમ કર્યો છે. વડોદરા કોર્પોરેશન દ્વારા 7 વર્ષ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. પરંતુ, કંપની દ્વારા હરણી લેકની દુર્ઘટના પછી પણ શરતોનું પાલન ન કરતા કોન્ટ્રાક્ટ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, એક વર્ષ પહેલા જ સુરસાગર તળાવમાં બોટિંગ શરૂ કરવામાં આવ્યું હતું. તાજેતરમાં સહેલાણીઓને આ કંપનીએ સેફ્ટી જેકેટ વગર જ બોટિંગ કરાવ્યું હતું.

વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરની મધ્યમાં આવેલા સુરસાગરમાં તા.26-9-022થી 7 વર્ષ માટે શરતોને આધિન બોટિંગ શરૂ કરવા માટે શ્રી હાઇડ્રો ડાઇવર્સ એન્ડ એન્જિનિયર્સને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. પરંતુ, હરણી મોટનાથ તળાવમાં બનેલી દુર્ઘટના બાદ પણ કંપની દ્વારા નિયમોનું પાલન ન કરવામાં આવ્યું ન હતું. તાજેતરમાં ચાર-પાંચ સહેલાણીઓને સેફ્ટી જેકેટ વગર બોટિંગની સફર કરાવવાની વિગતો મ્યુનિસિપલ કમિશનરના ધ્યાનમાં આવતા મ્યુનિસિપલ કમિશનરે તાત્કાલિક અસરથી કંપનીનો કોન્ટ્રાક્ટ રદ કરવાનો હુકમ કર્યો હતો.


શહેરના સયાજીગંજ વિસ્તારમાં 344, ફોનિક્સ કોમ્પલેક્ષ ખાતે ઓફિસ ધરાવતી શ્રી હાઇડ્રો ડાઇવર્સ એન્ડ એન્જિનિયર્સ કંપનીને હરણી દુર્ઘટના બાદ કોર્પોરેશન દ્વારા જ્યાં સુધી તમામ બોટનું ઇન્સ્પેક્શન ન થાય ત્યાં સુધી બોટિંગ શરૂ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો હતો. તા.21-1-024ના રોજ કાર્યપાલક ઇજનેર (પૂર્વ ઝોન) દ્વારા ટીમના ઇજનેરો સાથે સુરસાગરની વિઝિટ કરી હતી અને બોટની ચકાસણી કરી હતી.

ટીમ દ્વારા બોટની ચકાસણી કર્યા બાદ કંપનીને બોટના ફિટનેશ સર્ટીફિકેટો 3 દિવસમાં રજૂ કરવા માટે જણાવ્યું હતું. પરંતુ, કંપની નિર્ધારિત સમય મર્યાદામાં સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્યા નહોતા. તા. 27-1-2024ના રોજ ચાર જેટલા સહેલાણીઓને બોટની સફર કરાવવામાં આવી હતી. આમ કંપની દ્વારા શરતોનો ભંગ કરતા અને સુચનાઓનું પાલન ન કરતા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ તાત્કાલિક અસરથી શ્રી હાઇડ્રો ડાઇવર્સ એન્ડ એન્જિનીયર્સનો કોન્ટ્રાક્ટ રદ કરવાનો હુકમ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, શહેરની મધ્યમાં આવેલા અને શહેરની શોભામાં આગવું આકર્ષણ જમાવતા સુરસાગરમાં 31 વર્ષ પહેલાં બનેલી હોડી દુર્ઘટનામાં 22 લોકોના મોત નીપજ્યાં હતા. આ ઘટના બાદ વડોદરા કોર્પોરેશન દ્વારા અનેક વખત બોટિંગ શરૂ કરવાના પ્રયાસો કર્યા હતા. પરંતુ કોઈને કોઈ કાનૂની ગૂંચવણ આવી જવાથી બોટિંગ શરૂ કરાતું નહોતું. આખરે 1 વર્ષ પહેલાં સુરસાગરમાં બોટિંગ શરૂ કરવામાં આવ્યું હતું.

Share :

Leave a Comments