- નદીના પટમાં દબાણો થયા અને શાશકો ધૂતરાષ્ટ્ર બન્યા છે..!
- ગરીબોના કાચા પાકા દબાણો તોડી છાતી ફુલાવતા શાશકો બિલ્ડરો આગળ કથ્થક કરે છે..!
વિશ્વામિત્રી બચાવો સમિતિ, વડોદરા ના એડવોકેટ શૈલેશ અમીન જણાવીએ છીએ કે ઋતુચક્ર મુજબ દરવર્ષે વડોદરામાં દિવસ ના ૧૨ કલાક દરમ્યાન ૮ ઇંચ જેટલો વરસાદ કે તેનાથી પણ વધારે વરસાદ તો પડે જ છે પરંતુ શહેરી વિસ્તારમાં વરસાદી પાણી નો તુરંત નિકાલ થઇ જતો અને લોકો ના ઘરમાં કે દુકાનો માં વરસાદી પાણી ભરાઈ નુકશાન થતું નહોતું.
વડોદરા મહાનગરપાલિકા ના છેલ્લા ૨૫ થી ૩૦ વર્ષ ના શાશન અને શાશન ને તાબે થઇ અધિકારીઓ એ લીધેલા ખોટા અને ભ્રષ્ટ નિર્ણયો ને મૂળ કુદરતી વરસાદી કાંસો ની પહોળાઈ આજુબાજુ ની જમીનો વાળા બિલ્ડરો ને ફાયદો કરાવવા સાંકડી કરી, કેટલેક ઠેકાણે માત્ર પાઈપો નાખી, પોતાના પેટ ભર્યાનું પાપ, આજે વડોદરા ના નગરજનો, વેપારીઓ પારાવાર નુકશાન રૂપે ભોગવી રહ્યા છે.
છેલ્લા કેટલાક વર્ષો થી શાશકો અને અધિકારીઓએ એવી પરિસ્થિતિ નું નિર્માણ સર્જ્યું છે કે થોડો પણ વરસાદ પડે તો પણ વડોદરા શહેર ના દાંડિયાબજાર, રાવપુરા અને માંડવી નો સંપૂર્ણ વેપારી વિસ્તાર તો વેનિસ સીટી જેવા થઇ જાય છે આગામી દિવસોમાં કદાચ નગરજનોએ સ્કુટર, કાર ની સાથે એક હોડી કે તરાપો પણ વસાવવો પડે એવી સ્થિતિ સર્જાશે. વડોદરા શહેર ની રચના એવી છે કે ગમે એટલો વરસાદ પડે પણ સમગ્ર શહેર ને આવરી લેતી કુદરતી વરસાદી કાંસો જેમ કે ભૂખી કાંસ, મસીયા કાંસ, રૂપારેલ કાંસ સહીત નાની મોટી ઘણી બધી કુદરતી વરસાદી પાણી ની કાંસમાં કુદરતી ઢાળ થી જ વરસાદી પાણી જતું રહે અને આ બધી કુદરતી કાંસો આખરે વિશ્વામિત્રી નદી માં પાણી ઠાલવે એવી રચના રહી. જે વિસ્તારને કુદરતી વરસાદી કાંસો માં વરસાદી પાણી આપમેળે જતું રહે તેવી પરિસ્થિતિ નથી ત્યાં પાલિકા એ બનાવેલી જાળી વાળા ચેમ્બરો ધરાવતી વરસાદી કાંસ માં વરસાદી પાણી જાય અને તે કુદરતી વરસાદી કાંસ ને જોડી દેવાયેલી છે. વડોદરા શહેર માં નાની મોટી ઘણી કુદરતી વરસાદી કાંસો છે જેમાં મુખ્યત્વે ભૂખી કાંસ, મસીયા કાંસ, રૂપારેલ કાંસ વિગેરે તો નાની નદી જેટલી પહોળી અને ખુબ વરસાદી પાણી વાહન ની ક્ષમતા ધરાવતી હતી. રાવપુરા, દાંડિયાબજાર, માંડવી જેવા શહેરી વિસ્તાર નું વરસાદી પાણી દાંડિયાબજાર ખાતે અરવિંદ આશ્રમ ની સામે આવેલી ગાયકવાડી વરસાદી કાંસ માં થઇ ને વિશ્વામિત્રી નદી માં ઠલવાતું હતું. વડોદરા શહેર માં આવેલી કુદરતી વરસાદી કાંસો જેમકે ભૂખી કાંસ, મસીયા કાંસ, રૂપારેલ કાંસ વિગેરે કાંસો સીધી વિશ્વામિત્રી નદી માં જોડાય છે. આ બધી કુદરતી વરસાદી કાંસ જે નાની નદી જેવી ૧૫ મીટર થી ૨૫ મીટર સુધી ની મૂળભૂત કુદરતી પહોળાઈ ધરાવતી હતી તે કાંસો ને આજુબાજુ ના બિલ્ડરો ને જમીનો નો લાભ પહોચાડવા ૧૫ થી ૨૫ મીટર પહોળાઈ ને સાંકડી કરી માત્ર ૩ (ત્રણ) મીટર ની પહોળાઈ ની સિમેન્ટ ના ચોરસ બોક્સ જેટલી બનાવી દીધી જે વડોદરા શહેર માં થોડો વરસાદ પડે તો પણ વરસાદી પાણી ઘૂંટણ સમાન કે તેથી વધુ ભરાઈ રહેવાનું મુખ્ય કારણ છે. જયારે સતત વરસાદ પડે ત્યારે મૂળ કુદરતી વરસાદી કાંસની સાઈઝ ને પાંચમા ભાગની કરી નાખેલી હોવાથી વરસાદી પાણી વહન કરવાની ક્ષમતા પાંચમાં ભાગની જ રહે છે જેથી શહેર ના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ રહે છે. ઉપરાંત કુદરતી વરસાદી કાંસ કે જે માત્ર ચોમાસામાં વરસાદ પડે ત્યારે જ પાણી વહે તેની જગ્યા એ બારેય મહિના ગંદકી વાળા, ડ્રેનેજ ના પાણી થી ભરેલી રહે છે. આ કુદરતી વરસાદી કાંસો ને પ્રી મોનસૂન માં સાફ કરાતી નથી, માત્ર બીલો બને છે. કુદરતી વરસાદી કાંસો ની આજુબાજુ માં જમીનો ધરાવતા બિલ્ડરો ને ફાયદો કરાવવા આખા શહેર માં કુદરતી વરસાદી કાંસ ને પ્રજા ના ઘરવેરા ના રૂપિયા માંથી કરોડો રૂપિયા ખર્ચી ને સિમેન્ટ ના બંધ બોક્સ જેવી પાંચમા ભાગની કરી દઈ નગરજનો ને જીવનભર પુર ના પાણી થી નુકશાન થાય તેવી પરિસ્થિતિ સર્જેલી છે.
આ ઉપરાંત વડોદરા મહાનગરપાલિકા નું ટાઉન ડેવલપમેન્ટ વિભાગ દ્વારા વિશ્વામિત્રી નદી કિનારાની નીચાણ વાળી જેમાં બાંધકામ પરવાનગી મળે જ નહિ તેવી પ્રતિબંધિત વિસ્તાર-૧ નો ઝોન હોવા છતાય બાંધકામ પરવાનગી આપી દીધેલ છે ઉપરાંત કેટલાક બિલ્ડરો ને અપાયેલી બાંધકામ પરવાનગી માં પણ જી.ડી.સી.આર ના નિયમો મુજબ નદી ના કિનારેથી ૩૦ મીટર છોડવાનું અને કુદરતી વરસાદી કાંસો ના કિનારે થી ૯ મીટર નું માર્જીન છોડવાનો નિયમ માળીયે ચડાવી કુદરતી વરસાદી કાંસો ની બાજુ માં એક ફૂટનું પણ માર્જીન છોડ્યા વગર કાંસ ઉપર સ્લેબ મારી બિલ્ડરો ને રોડ રસ્તા અને પાર્કિંગ મંજુર કરી આપેલા છે જેને કારણે વડોદરાવાસીઓ કાયમી અને જીવનભર વરસાદી પાણી નો ભરાવા થી પારાવાર નુકશાન વેઠવાનો તો રહેશે પણ પાણીજન્ય જીવલેણ રોગચાળા ના ભોગ બનતા રહેશે.
દાખલો આપીએ તો ભૂખી કાંસ જે સોખડા ગામે થી શરુ થઇ ને છાણી ગામ - છાણી માં આવેલ જીલ્લા પોલીસ હેડકવાર્ટર ના પ્રવેશ પાસે આ ભૂખી કાંસ ઉપર આશરે ૩૦ મીટર લંબાઈ નો જુનો બ્રીજ બનાવેલો છે જે ભૂખી કાંસ ની મૂળ પહોળાઈ દર્શાવે છે. જેવો આ બ્રીજ પૂરો થાય એટલે આ કુદરતી ભૂખી કાંસ ને સિમેન્ટ ના ત્રણ મીટર ના બોક્સ થી બંધ બનાવી સમા- નિઝામપુરા તરફ આ જ ત્રણ મીટરના સીમિત કરેલા બંધ બોક્ષ બનાવી આગળ જાય છે. આગળ જતા ન્યુ સમા રોડ ને ક્રોસ કરાવવા બ્રીજ બનાવવો જોઈએ તેની જગ્યા એ ન્યુ સમા રોડ નીચે સિમેન્ટ ના ભૂંગળા નાખી પસાર કરાવેલ છે જે રોડ બાદ આવેલ પોસ્ટ ઓફીસ પાસે આવે, બાદ આ કુદરતી ભૂખી કાંસ ને ૯૦ ડીગ્રી એ જમણી બાજુ વળાંક આપેલ છે. (કુદરતી કાંસ કે નદી કોઈ દિવસ ૯૦ ના ખૂણે વળે નહિ) આ વળાંક બાદ નિઝામપુરા જુનું એસ.ટી.કોર્પોરેશન ની જગ્યા કે જ્યાં હાલ કોઈ બિલ્ડરે મોટી સ્કીમ તૈયાર કરેલ છે તેની પાસે થી પસાર થાય છે અહી બિલ્ડરે ભૂખી કાંસ ને ત્રણ મીટર નું સિમેન્ટ નું બોક્સ બનાવેલ છે તેની ઉપર પોતાનું પાર્કિંગ બનાવી દીધેલું છે. અહી થી આગળ વધીએ તો ફરી આ ભૂખી કાંસ ને ૯૦ ડીગ્રી ના ખૂણે ડાબી તરફ વાળી દીધેલી છે જે એચ.પી. ના પેટ્રોલ પંપ પાસે આવે. ફરી આ કાંસ ને ૯૦ ડીગ્રી એ જમણી તરફ વળાંક આપી છાણી રોડ ની નીચે સિમેન્ટ ના પાઈપો નાખી રોડ ક્રોસ કરાવેલ છે. આમ કુલ માત્ર ૧૦૦ મીટર ના અંતરમાં ચાર જેટલા ૯૦ ડીગ્રી એ વળાંક સાથે બે જગ્યાએ રોડની નીચે થી માત્ર સિમેન્ટ ના ભૂંગળા નાખી ને માત્ર ત્રણ મીટરની પહોળાઈ કરેલી આ કુદરતી વરસાદી ભૂખી કાંસ વરસાદી પાણી નું વહન કરી શકે નહિ તેવી કરી નાખેલ છે. ભૂખી કાંસ ની મૂળ પહોળાઈ જોવી હોય તો છાણી ખાતે આવેલ જીલ્લા પોલીસ હેડક્વાર્ટર પાસેનો જુના જમાના ના બ્રીજ ની પહોળાઈનું માપ અને કાલાઘોડા થી ફત્તેગંજ તરફ જતા આવતો જુનો ગાયકવાડી બ્રીજ ની પહોળાઈ જોશો તો મૂળ કુદરતી વરસાદી ભૂખી કાંસ ની પહોળાઈ નો અંદાજ આવશે. આવીજ રીતે કારેલીબાગ આર્યકન્યા સામે, હિરાવંતી એપાર્ટમેન્ટ ની બાજુ માંથી પસાર થતી કુદરતી વરસાદી કાંસ ને બહુચરાજી મંદિર પાછળ આવેલ એક બિલ્ડર ની વિશાળ જમીન ને રસ્તો મળતો નહિ હોવાથી ૧૫ મીટરની પહોળાઈ ને માત્ર ૩3 મીટર જેટલી સીમિત બનાવતા સિમેન્ટ ના ચોરસ બોક્સ ભરી ને રાજકીય ઈશારે પાંચમા ભાગની બનાવી દેવાઈ છે.
દેણા ગામ થી શરુ થતી કુદરતી વરસાદી કાંસ ફત્તેપુરા મંગલેશ્વર પાસે અને કારેલીબાગ ના કાસમહાલા પાસે નદી કરતા મોટી પહોળાઈ ધરાવે છે જેને ન્યુ વી.આઈ.પી રોડ પાસે અગોરા બિલ્ડીંગ અને રોડ સામે સંજયનગર પાસે માત્ર ત્રણ મીટર ની સિમેન્ટના બોક્સ બનાવી સાંકડી કરી દીધેલી છે. ટાઉન ડેવલપમેન્ટ વિભાગે તો બિલ્ડરના આ કુદરતી વરસાદી કાંસ ની ઉપર રોડ બનાવી દેવાની મંજુરી પણ આપી દીધેલ છે. આવા વડોદરા શહેરમાં અસંખ્ય દાખલ છે.