- 8 ટાંકી હેઠળના વિસ્તારમાં 4 લાખથી વધુ લોકોને પાણીની તકલીફ પડશે, સાંજના ઝોનમાં મોડેથી લો પ્રેશર સાથે પાણી વિતરણ કરાશે
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મહી નદી સ્થિત ચાર ફ્રેન્ચ કુવા પૈકી દોડકા ફ્રેન્ચવેલ ખાતે પાણીની 38 ઇંચ ડાયા મીટરની ફીડર લાઈન પર ભંગાણ પડ્યું છે. આ ભંગાણ રીપેરીંગ કરવાની કામગીરી આવતીકાલે તારીખ 21ના રોજ કરવામાં આવનાર છે, જેના કારણે પાણીની આઠ ટાંકી અને બે બુસ્ટર હેઠળના વિસ્તારોમાં પાણીના ધાંધિયા રહેશે. રીપેરીંગની કામગીરી આવતીકાલે સવારે 10 વાગ્યા બાદ હાથ ધરવામાં આવશે.
આ રીપેરીંગની કામગીરીને લીધે દોડકા ફેન્ચવેલ તથા દોડકા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતેના પાણીના પમ્પો સાંજના 4 વાગ્યા સુધી બંધ રહેશે. પાંચથી છ કલાક સુધી પાણીના પંપો બંધ રહેવાના કારણે દોડકા ફ્રેન્ચવેલ તથા દોડકા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ થી પાણી મેળવતી ટાંકીઓ જેવી કે પૂનમનગર ટાંકી, સમા ટાંકી, નોર્થ હરણી ટાંકી, હરણી ટાંકી, વારસીયા બૂસ્ટર, ખોડિયારનગર બૂસ્ટર, એરપોર્ટ, આજવા ટાંકી, પાણીગેટ ટાંકી, નાલંદા ટાંકી તથા ગાજરાવાડી ટાંકી ખાતે પાણી પુરવઠો કામગીરી દરમ્યાન બંધ રહેશે. જેથી તા. 21ના સાંજના ઝોનમાં મોડેથી અને લો પ્રેશર સાથે પાણી વિતરણ કરવામાં આવશે. આ ભંગાણ દોડકા પાસે જ થયું છે અને કામગીરી આશરે ચારેક કલાક ચાલશે. કામગીરી માટે પંપો બંધ કરીને લાઈન ખાલી કરવામાં આવશે અને એ પછી રીપેરીંગ કાર્ય શરૂ થશે. પાણીના પંપો બંધ થવાને લીધે આશરે 100 લાખ લિટર પાણીની ઘટ પડશે અને તેની અસર આશરે 4 લાખથી વધુ વસ્તીને થવાની સંભાવના છે.