વડોદરાના પ્રવર નગર નિયોજકે અગાઉના અધિકારીના અભિપ્રાયો રદ કરવા સૂચનો કરતાં વડોદરા શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશને ૫૦થી વધુ બાંધકામની સાઇટોની રજાચીઠ્ઠી સ્થગિત કરી દેતાં વિવાદ સર્જાયો છે. આગામી મહિનાઓમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે જ પ્રવર નગર નિયોજક કચેરીની આ રીતની ભૂમિકા શંકાના દાયરામાં મૂકાઇ ગઇ છે. થોડા દિવસો બાદ દિવાળી આવી રહી છે ત્યારે બિલ્ડરોનું દેવાળું ફૂંકવા અને વડોદરાના વિકાસને કચડી નાખવા માટે આખું ષડયંત્ર રચાયું હોવાની ચર્ચાએ જોર પડ્યું છે. પ્રવર નગર નિયોજકની કચેરીમાંથી અત્યાર સુધીમાં ૫૦થી વધુ રજાચીઠ્ઠી રદ કરવા માટે સૂચના કરાયા છે, પરંતુ આગામી દિવસોમાં વડોદરા શહેરની ૧૫૦ જેટલી બાંધકામની સાઇટોની રજાચીઠ્ઠીઓ રદ કરવા માટે કવાયત કરાઇ રહી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે.
શહેરનો વિકાસ થાય તે માટે ટાઉન પ્લાનિંગ સ્કીમો મૂકાતી હોય છે, જે અંતર્ગત વડોદરા શહેરમાં મુકાતી ટીપી સ્કીમો પૈકી ૩૪ જેટલી ટીપી સ્કીમો છેલ્લાં કેટલાય વર્ષોથી અભરાઇ પર ચઢાવી દઇને વડોદરાનો વિકાસ રૂંધવાનો પ્રયાસ થતો હોવાની ચર્ચા છે, ત્યારે તાજેતરમાં પ્રવર નગર નિયોજકે આપેલી રજાચીઠ્ઠીઓ રદ કરવાનીના સૂચનો લઇ રજાચીઠ્ઠીઓ સ્થગિત કરાતા ફરી એકવાર શહેરનો વિકાસ ખાડે જઇ રહ્યો છે.
સામે દિવાળી આવી રહી છે, ત્યારે કોઇના કહેવાથી રિમોટ કટ્રોલની જેમ ઓપરેટ થતી પ્રવર નગર નિયોજકની કચેરીની કાર્યવૃતિ હવે શંકાના દાયરામાં આવી ગઇ છે, ત્યારે બિલ્ડરોના એસોસિયેશન ક્રેડાઇ દ્વારા આ બાબતે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરાઇ છે. તેમજ જાે અમને ન્યાય નહીં મળે તો વડોદરા શહેરમાં તમામ બિલ્ડરો હડતાલ પર ઉતરશે તેવી ચીમકી પણ અપાઇ છે, ત્યારે જાે આવું થાય તો વડોદરા શહેરની મોટાભાગની બાંધકામની સ્કીમો બંધ થઇ જશે. કેટલીક સ્કીમોમાં તો લોકો રહેવા પણ આવી ગયા છે. તો કેટલાકે બુકિંગ કરાવી દીધા છે અને તેઓની હોમલોનની પ્રોસિજર પણ ચાલુ કરાવી દીધી છે. ત્યારે બાંધકામો બંધ થઇ જશે તો હજારો ગ્રાહકોના ઘરનું સપનું રોળાઇ જશે.
એટલું જ નહીં સામે દિવાળીએ બાંધકામની સાઇટો પર કામ કરતા કોન્ટ્રાક્ટરો, મજુરો, સિમેન્ટ, રેતી, કપચી, સળિયા સહિતનો માલ-સામાન સપ્લાય કરતા ડિલરો સહિતના અનેક લોકોના કરોડો રૂપિયાના ધંધા પર માર પડશે. જેના કારણે બેરોજગારીની સાથે લોકોની આજીવિકા ચલાવવાનું પણ મુશ્કેલ થઇ જશે. અને બિલ્ડરોની દિવાળી બગડશે. એટલું જ નહીં જાે બાંધકામો બંધ કરી દેવાય તો કોર્પોરેશને બાંધકામ પરવાનગીની જે ૧૦૦૦ કરોડથી વધુની ફી વસૂલી છે, તે પાછી આપવાનો વારો આવશે તો કોર્પોરેશનની આર્થિક હાલત કથળી શકે છે. જેને પગલે કોર્પોરેશનના માથે ચિંતાના વાદળો ઘેરાવવા લાગ્યા છે.
પ્રવર નગર નિયોજકની કચેરીમાં અગાઉના અધિકારીએ આપેલા અભિપ્રાયો રદ કરવા કેમ સૂચના થયા? શું અગાઉના પ્રવર નગર નિયોજકે લિધેલા નિર્ણય ખોટા હતા? આ સહિતના અનેક સવાલો ઊભા થયા છે.
- અગાઉના પ્રવર નિયોજકે આપેલા અભિપ્રાય હાલના અધિકારીએ રદ કર્યા, તો શું ભવિષ્યમાં બીજા અધિકારી આવશે તો હાલના અધિકારીના અભિપ્રાયો પણ રદ કરશે? : શું આ અભિપ્રાયોના ફેરબદલીનો ખેલ ક્યાં સુધી ચાલશે??
- જાે વડોદરા શહેરમાં બિલ્ડરો દ્વારા આંદોલન કરવામાં આવશે તો વડોદરા શહેરને કરોડો રૂપિયાનું નુકસાન ભોગવવું પડશે. જેના કારણે સાઇટ પર કામ કરતાં એન્જિનિયર, મજૂરવર્ગ, કર્મચારી વર્ગને ખૂબ મોટા પ્રમાણમાં દિવાળી પહેલાં નુકસાન ભોગવવું પડશે તેના જવાબદાર કોણ?
- વડોદરા શહેરમાં વિકાસ પરવાનગી સ્થગિત થતી રહેવાનો દોર ચાલુ રહ્યો તો, વડોદરા શહેરની બહારથી આવેલા સાઇટ કામ કરતા સેંકડો કર્મચારીઓને છુટા કરવા પડશે તેના કારણે ફરીથી બિલ્ડર લોબીમાં મંદીનું મોજું ઉછળશે અને વડોદરા મહાનગર પાલિકાને પણ કરોડો રૂપિયાનો નુકસાન ભોગવવું પડશે..!!?
- વડોદરાની કચેરીને શું ગાંધીનગરમાં બેસતા કોઇ ચોક્કસ અધિકારી ઓપરેટ કરે છે?
રજાચિઠ્ઠીઓ રદ સ્થગિત કરવા માટે કોર્પોરેશને લીધેલા નિર્ણય બાદ બિલ્ડર લોબીમાં પણ ચર્ચા શરૂ થઇ ગઇ કે, ભૂતકાળમાં વિજય રૂપાણી સરકાર સમયે પ્રવર નગર નિયોજક કચેરીમાં જે અધિકારીઓ બેઠા હતા. તેમના દોરી સંચાર હેઠળ
અત્યારે કામગીરી કરાઇ રહી હોવાની ચર્ચાઓ વહેતી થઇ છે. એટલું જ નહીં ગાંધીનગરની ચીફ ટાઉન પ્લાનરની કેચરીમાંથી કોઇ એક અધિકારી દ્વારા વડોદરાની કચેરીને ઓપરેટ કરવામાં આવતી હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે. જેમાં જાતિવાદ મુખ્ય કારણ હોવાનું કહેવાય છે. વડોદરાની પ્રવર નગર નિયોજકની કચેરી દ્વારા જેટલા પણ અભિપ્રાયો રદ કરવા સૂચનો કરાયા છે, તેમાં મોટાભાગના સવર્ણો અને પટેલ જ્ઞાતિના બિલ્ડરોને ટાર્ગેટ કરાયા હોવાની પણ વાતો વહેતી થઇ છે.
- એકવાર વિકાસ પરવાનગી આપી દીધા પછી કપાત કેવી રીતે થઇ શકે?