કરજણના ખેડૂતોને એક્સપ્રેસ વે અને રેલવે કોરીડર પ્રોજેક્ટમાં ગયેલી જમીનોનું યોગ્ય વળતર ન મળતાં ચૂંટણીનો બહિષ્કાર

ખેડૂતોનો આક્ષેપ, સરકારે એક્સપ્રેસ વે અને રેલવે કોરીડર પ્રોજેક્ટમાં મફતના ભાવે જમીન પડાવી લીધી

MailVadodara.com - Boycott-of-elections-due-to-lack-of-proper-compensation-of-land-lost-in-Expressway-and-Railway-Corridor-project-to-farmers-of-Karajan

- કરજણ તાલુકાના કંબોલા, બોડકા, માંગરોલ, કણભા, હાંડોદ, ખાંધા, માણપુર, કોઠવાડા સહિત 20 ગામોના 100 ઉપરાંત ખેડૂતોની 300 એકર જમીન આ પ્રોજેક્ટ માટે સરકાર દ્વારા સંપાદન કરાઇ છે

- કરજણ તાલુકાના 11 ગામમાં ચૂંટણીનો બહિષ્કાર... કોઇ પણ રાજકીય પક્ષોએ ગામમાં પ્રવેશ કરવો નહિં તેવા બેનરો લગાવતા તંત્ર અને રાજકીય પક્ષોએ ખેડૂતોને સમજાવવા માટે દોડધામ..!!


વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના હાંડોદ ગામ સહિત 20 ગામોના ખેડૂતોને એક્સપ્રેસ-વે અને રેલવે કોરીડોર સહિત 3 પ્રોજેક્ટમાં ગયેલી જમીનોનું યોગ્ય વળતર ન મળતા લોકસભાની ચૂંટણીનો ગામોમાં બેનર મારી બહિષ્કાર કરતા તંત્ર દોડતું થયું છે. ઉલ્લેખનિય છે કે, કરજણ તાલુકાનો છોટાઉદેપુર લોકસભા બેઠકમાં સમાવેશ થાય છે. 

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કંબોલા, બોડકા, માંગરોલ, કણભા, હાંડોદ, ખાંધા, માણપુર, કોઠવાડા સહિત 20 જેટલા ગામોની સીમમાંથી દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે અને રેલવે કોરીડર પસાર થઇ રહ્યો છે. આ પ્રોજેક્ટ માટે સરકાર દ્વારા વિવિધ ગામોના 100 ઉપરાંત ખેડૂતોની 300 એકર જમીન સંપાદન કરવામાં આવી છે. પરંતુ, ખેડૂતોને જમીનોનું યોગ્ય વળતર ન મળતા ખેડૂતો છેલ્લા કેટલાંક સમયથી સરકાર સામે લડત ચલાવી રહ્યા છે. પરંતુ, સરકાર દ્વારા ખેડૂતોના પ્રશ્નનો ઉકેલ ન લાવતા ખેડૂતોએ આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. 


કરજણ તાલુકાના હાંડોદ, સાંપા સહિતના ગામોમાં ખેડૂતોએ ચૂંટણીનો બહિષ્કાર... કોઇ પણ રાજકીય પક્ષોએ ગામમાં પ્રવેશ કરવો નહિં તેવા બેનરો લગાવતા તંત્ર અને રાજકીય પક્ષોએ ખેડૂતોને સમજાવવા માટે દોડધામ કરી મૂકી છે. જે 20 જેટલા ગામોની જમીન સરકારના પ્રોજેક્ટોમાં જમીન ગઇ છે તે તમામ ગામના લોકો દ્વારા આજે સાંજ સુધીમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવનાર હોવાનું જાણવા મળ્યું છે. જમીનો ગુમાવનાર ખેડૂતોને ગામના અન્ય લોકો પણ સહકાર આપી રહ્યા છે.  


હાંડોદ ગામના ખેડૂતે જણાવ્યું હતું કે, સરકારે અમારા ગામ સહિત આસપાસના 11 ઉપરાંત ગામોની જમીનો દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે તેમજ રેલવે કોરીડોર સહિતના પ્રોજેક્ટો માટે મફતના ભાવે જમીનો પડાવી લીધી છે. આ અંગે વિરોધ કરવામાં આવતા સરકારે આર.બી. ટેશનની નિમણૂંક કરી હતી. પરંતુ, આર.બી. ટેશનમાં કેસ ચાલી ગયો હોવા છતાં, સરકાર દ્વારા વળતર અંગે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. 36 હજારમાં અમારી જમીનો પડાવી લીધી છે. 


તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા 6 માસથી અમો લડત આપી રહ્યા છે. પરંતુ, સરકાર દ્વારા અમારા પ્રશ્નોનો ઉકેલ લાવવામાં ન આવતા અમારા ગામ સહિત આસપાસના 11 ઉપરાંત ગામના લોકોએ ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવી વિરોધ કર્યો છે. આજે સાંજ સુધીમાં તમામ ગામોમાં લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરતા બેનરો લગાવી દેવામાં આવશે.

Share :

Leave a Comments