- ગઇકાલે ત્રિવેણી સંગમ કાંઠે ઊંડા પાણીમાં યુવક તણાઈ જતા સ્થાનિક તરવૈયા અને ફાયર બ્રિગેડે શોધખોળ કરી હતી જાે કે મોડી સાંજ સુધી પત્તો લાગ્યો ન હતો
તિર્થક્ષેત્ર ચાંદોદના ત્રિવેણી સંગમ કાંઠે નારાયણ બલીની વિધિ માટે આવેલા વલસાડ જિલ્લાનો યુવાન ગઇકાલે મંગળવારના રોજ સ્નાન દરમિયાન નદીમાં લાપતા બનતા સ્થાનિક તરવૈયા, ફાયર બ્રિગેડની ટીમ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે. જાેકે તેનો મૃતદેહ આજરોજ મળી આવતાં ચાંદોદ પોલીસે પીએમ સહિતની જરૂરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.
હિન્દુ ધર્મમાં પિતૃ માસ તરીકેનો ચૈત્ર માસ હાલ ચાલતો હોય દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે દૂર દૂરથી પિતૃ મોક્ષાર્થની વિધાન માટે ચાંદોદ ખાતે શ્રદ્ધાળુઓનો ધસારો રહેતો હોય છે. ત્યારે ગતરોજ મંગળવારના રોજ વલસાડ જિલ્લાના ધનોરી ગામનો યુવાન દીપક ગિરધરભાઈ પટેલ (ઉં.38) પણ પોતાના પરિવાર સાથે ચાંદોદ ત્રિવેણી સંગમ ખાતે નારાયણ બલીની વિધિ માટે આવ્યો હતો. ત્યારે ત્રિવેણી સંગમ નદી કિનારે સ્નાન દરમિયાન ઊંડા પાણીમાં તણાઈ જતા લાપતા બન્યો હતો. જેની જાણ પોલીસને કરાતા કરનાળી આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વિજય સાવંત સહિતનો સ્ટાફે ઘટના સ્થળે પહોંચ્યો હતો.
સૌપ્રથમ સ્થાનિક તરવૈયા મારફતે બાદમાં ડભોઇ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા લાપતા યુવાનની શોધખોળ આદરવામાં આવી છે. જોકે મોડી સાંજ સુધી યુવાનનો કોઈ પત્તો નહીં મળ્યો ન હતો ત્યારે આજરોજ ત્રિવેણી સંગમ પાસેના માર્કંડેશ્વર ઘાટના કિનારા પાસેથી યુવાનનો મૃતદેહ નદીમાં તણાતો જણાઈ આવતા નાવિક શ્રમજીવી યુવાનોએ તેને બહાર કાઢી પોલીસને જાણ કરી હતી. ચાંદોદ પોલીસે યુવાનના મૃતદેહને પીએમ અર્થે ડભોઇ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે ઘટનાના પગલે પરિવારજનોમાં ભારે ગમગીની વ્યાપી છે.