વડોદરામાં સફાઇ દરમિયાન ડ્રેનેજ ચેમ્બરમાંથી નવજાત બાળકીનો મૃતદેહ મળ્યો, માતા-પિતાની શોધખોળ શરૂ

સોમા તળાવ વિસ્તારમાં આવેલા રહેણાક વિસ્તારના ડ્રેનેજ ચેમ્બરમાંથી મૃતદેહ મળ્યો

MailVadodara.com - Body-of-newborn-girl-found-in-drainage-chamber-during-cleaning-in-Vadodara-search-for-parents-begins

- પોલીસને જાણ કરતા સ્થળે પહોંચી મૃતદેહનો કબજો લઇ માતા-પિતાની શોધખોળ શરૂ કરી દીધી

- પીઆઇએ કહ્યું, CCTV સહિતની તપાસ કરી મૂકી જનારને શોધી કઢાશે


વડોદરામાંથી માનવતાને શર્મચાર કરતી ઘટના સામે આવી છે. સોમાતળાવ વિસ્તારમાં આવેલા ગેસ સિલિન્ડર ગોડાઉનની પાછળ આવેલા રહેણાક વિસ્તારમાં ડ્રેનેજ ચેમ્બરની સફાઇ દરમિયાન નવજાત બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો સ્થળે દોડી આવ્યા હતા. સાથે જ પોલીસને જાણ કરતા સ્થળે પહોંચી મૃતદેહનો કબજો લઇ માતા-પિતાની શોધખોળ શરૂ કરી દીધી છે.

મળેલી માહિતી પ્રમાણે, શહેરના સોમા તળાવ વિસ્તારમાં ગેસ ગોડાઉન આવેલું છે. આ ગેસ ગોડાઉન પાછળ રહેણાક વિસ્તારમાં ડ્રેનેજ લાઇન ચોકઅપ થઇ ગઇ હતી. સ્થાનિક લોકો દ્વારા ડ્રેનેજ લાઇનની સફાઇ માટે પાલિકામાં ફરિયાદ કરતાં સફાઇ કામદારો સફાઇ કરવા માટે આવી પહોંચ્યા હતા. સફાઇ સેવકોએ ચેમ્બરની સફાઇ કરવા માટે ઢાંકણ ખોલતાં મૃત નવજાત બાળક નજર સામે આવ્યું હતું. દૃશ્યો જોઈને ચોંકી ગયેલા સફાઇ સેવકોએ સ્થાનિકને જાણ કરતાં લોકો એકઠાં થઇ ગયા હતા. એકઠા થયેલાં લોકો પૈકી એક મહિલાએ કપુરાઇ પોલીસ મથકમાં જાણ કરતાં પોલીસ દોડી આવી હતી. પોલીસે ફાયર બ્રિગેડની મદદ લઇ નવજાત બાળકનો મૃતદેહ બહાર કઢાવ્યો હતો. આમ છતાં પોલીસે 108 એમ્બ્યુલન્સને બોલાવી તપાસ કરાવતા બાળક મૃત હોવાનુ એમ્બ્યુલન્સની ટીમે જણાવ્યું હતું.


દરમિયાન પોલીસે બાળકના મૃતદેહના પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં નવજાત બાળકી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ડ્રેનેજ ચેમ્બરમાં બાળક મૂકી જનાર અજાણી વ્યક્તિ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

આ બનાવ અંગે કપુરાઇ પોલીસ મથકના પીઆઈ ડી. સી. રાઉલે જણાવ્યું હતું કે, ડ્રેનેજના ચેમ્બરમાંથી મૃત નવજાત બાળક મળી આવ્યું છે. આ બાળકને મૂકી જનાર અજાણી વ્યક્તિની શોધખોળ માટે વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપી ઝડપાયા બાદ ચોક્કસ વિગતો બહાર આવશે.


Share :

Leave a Comments