ભાયલીમાં રહેતી ગુમ યુવતીનો મૃતદેહ કેનાલમાંથી મળ્યો, હાથ-માથાના ભાગે ઇજાના નિશાન મળ્યા

3 દિવસ બાદ ગુમ અમિષાનો લકડીકૂઇ ગામ પાસેથી પસાર થતી કેનાલમાંથી મૃતદેહ મળ્યો

MailVadodara.com - Body-of-missing-girl-from-Bhayli-found-in-canal-injury-marks-found-on-hands-and-head

- MSUની એફ.વાય. બીકોમમાં અભ્યાસ વિદ્યાર્થિની ઇન્ટરનલ પરીક્ષા આપવા કોલેજ ગઈ હતી

- મોડી રાત સુધી પરત ન ફરતા પરિવારે શોધખોળ બાદ ગુમ થયાની અરજી કરી હતી

- કેનાલ પાસેથી એક્ટિવા, બૂટ અને મોબાઈલ મળ્યા, ભાઈ-બહેનને હત્યાની આશંકા


વડોદરા શહેરના ભાયલીમાં રહેતી અને MS યુનિવર્સિટીમાં એફ.વાય. બીકોમમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની તા.11 માર્ચના રહસ્યમય રીતે ગુમ થયા બાદ તા.13ના રોજ જાસપુર અને લકડીકૂઇ ગામની વચ્ચેથી પસાર થતી કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક અમિષા સાથે કંઈ અજુગતું કરી હત્યા કરી લાશ કેનાલમાં ફેંકી દીધી હોવાની ભાઈ-બહેન તેમજ બનેવીએ આશંકા વ્યક્ત કરી તટસ્થ તપાસની માગ કરી છે. આ બનાવની વધુ તપાસ પાદરા પોલીસે હાથ ધરી છે.

મૂળ પાદરા તાલુકાના જાસપુર ગામની વતની અને હાલમાં વડોદરાના ભાયલી વિસ્તારમાં આધ્યા આંગણમાં રહેતી અમિષા શાંતિલાલ પરમારને માતા-પિતા નથી. તે મોટા ભાઈ શશીકાંત પરમાર સાથે રહેતી હતી અને વડોદરા MS યુનિવર્સિટીમાં એફ.વાય. બીકોમમાં અભ્યાસ કરતી હતી. 


મૃતક યુવતીના ભાઈ શશીકાંતે જણાવ્યું હતું કે, બહેન અમિષાની ઇન્ટરનલ પરીક્ષા ચાલતી હોવાથી તા. 11 માર્ચના રોજ સવારે એક્ટિવા લઈને કોલેજ ગઈ હતી. બપોરે 2.30 વાગ્યે બહેને વિજિલન્સના અધિકારીના ફોનથી ફોન કરીને જણાવ્યું હતું કે, બપોરે 3થી 5 પરીક્ષા હોવાથી ઘરે સાંજે 6થી 7 વાગ્યે આવીશ. જોકે રાત્રે 8 વાગ્યા સુધી બહેન ઘરે ન આવતા પરિવારજનોએ તેના મિત્ર વર્તુળમાં તેમજ કમાટીબાગમાં અને વડોદરા સેન્ટ્રલ એસટી ડેપોમાં તપાસ કરી હતી. પરંતુ તેની કોઇ ભાળ ન મળતા વડોદરા તાલુકાના પોલીસ મથકના ભાયલી આઉટ પોસ્ટમાં અમિષા ગુમ થયાની જાણ કરતી અરજી આપવામાં આવી હતી.

આ દરમિયાન તા. 13 માર્ચના રોજ સવારે જાસપુર ગામમાં રહેતા કાકા દ્વારા ખબર પડી કે, જાસપુર અને લકડીકૂઇ ગામ પાસેથી પસાર થતી કેનાલના કિનારે એક્ટિવા બે દિવસથી પડ્યું છે. સ્થળ ઉપર પહોંચી તપાસ કરતા એક્ટિવા અમિષાનું હતું. મળેલા એક્ટિવાથી 100 મીટર દૂર તપાસ કરતા એક બૂટ અને 50 મીટર દૂર બીજું બૂટ અને મોબાઈલ ફોન મળી આવ્યો હતો. પરંતુ તેની બેગ મળી આવી ન હતી. મોપેડ મળી આવ્યા બાદ આ અંગેની જાણ તાલુકા પોલીસના ભાયલી આઉટ પોસ્ટમાં કરતાં બીટ જમાદાર રણજીતસિંહ સ્ટાફ સાથે દોડી આવ્યા હતા. અને તેઓએ ફાયર બ્રિગેડની મદદ લઇ શોધખોળ શરૂ કરાવતા ગઈકાલે બપોરે બહેન અમિષાનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ જોતા તેના શરીરના બંને હાથ, માથામાં અને પગમાં ઇજાના નિશાન જણાઇ આવ્યા છે. આથી મને શંકા છે કે, બહેન સાથે અજુગતું થયું હોવું જોઇએ અને તેની હત્યા કરી લાશ કેનાલમાં ફેંકી દીધી હોવી જોઈએ. આ બનાવ અંગે તટસ્થ તપાસ કરી ન્યાય આપવા માગ કરી હતી.

મૃતક અમિષાની બહેન પ્રિયંકા સાગરકુમારે જણાવ્યું કે, મારી બહેન અભ્યાસ કરતી હતી. તેની સાથે આવું કેમ થયું, તેની કોઇએ હત્યા જ કરી છે. તપાસ થવી જોઇએ.

મૃતક યુવતીના બનેવીએ જણાવ્યું હતું કે, અમિષા સાથે અજુગતું થયું હોય તેવી શંકા છે. તેના મોઢામાં, બે હાથ અને માથાના ભાગમાં ઇજાના નિશાન જણાઇ આવ્યા છે. તટસ્થ તપાસ થાય તો ચોક્કસ સત્ય હકીકત બહાર આવશે.

ભાયલી આઉટ પોસ્ટના જમાદાર રણજીતસિંહે જણાવ્યું હતું કે, અમિષા પરમારનો મૃતદેહ જાસપુર અને લકડીકૂઇ ગામની વચ્ચેથી પસાર થતી કેનાલમાંથી ફાયર બ્રિગેડ દ્વારા શોધી કાઢવામાં આવ્યો હતો. આ મૃતદેહ પાદરા પોલીસ મથકની હદમાંથી મળી આવતા પાદરા પોલીસે મૃતદેહનો કબજો લઇ પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ પણ પાદરા પોલીસ કરી રહી છે.

પાદરા પોલીસે હાલ આ રહસ્યમય અમિષા પરમાર મોતના બનાવ અંગે ગુનો દાખલ કરી, અમિષાનો મોબાઇલ કબજે કરી તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત પોલીસે મોપેડ જે સ્થળેથી મળી આવ્યું છે તેની આસપાસના વિસ્તારોમાં ડોગ સ્ક્વોડની મદદ લઇ તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

Share :

Leave a Comments