- ગત 22મીના રોજ યુવક તેના નાનીને હું આવું છું કહીને નીકળી ગયો હતો, યુવક ઘરે પરત ન ફરતં ગોરવા પોલીસ મથકે પરિવારે યુવક ગુમ થયાની અરજી આપી હતી
વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં છેલ્લા બે દિવસમાં કેનાલમાંથી બે લોકોના મૃતદેહ મળી આવ્યા છે. આજે છેલ્લા ચાર દિવસ પહેલાં ઘરે હાજર નાનીને કહીને ઘરેથી નીકળી ગયેલા 24 વર્ષીય યુવાનનો મૃતદેહ રહસ્યમય સંજોગોમાં અંકોડિયા કેનાલમાંથી મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે ગોરવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરા શહેરના ગોરવા વિસ્તારના મધુનગર પાસે આવેલ સલીમ પાર્કમાં રહેતો મોહમ્મદ સલીમ સિદ્દીક રણા (ઉંમર વર્ષ 22) તેના પરિવાર સાથે છૂટક મજૂરી કરીને પરિવારને આર્થિક મદદ કરતો હતો. ગત તારીખ 22મી જાન્યુઆરીના રોજ તે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ તેના નાનીને ઘરેથી હું આવું છું કહીને નીકળ્યો હતો અને બાદમાં તે ઘરે પરત ફર્યો ન હતો.
યુવક ગુમ થતાં આ અંગે પરિવારજનો દ્વારા ગોરવા પોલીસ મથકે ગુમ થયાની અરજી પણ આપી હતી. જેથી, ગોરવા પોલીસે પોલીસનાં વ્હોટ્સએપ ગ્રુપમાં મોહમ્મદ સલીમનો ફોટો મૂક્યો હતો અને બાદમાં તેનો મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યો હતો. આ જગ્યા તાલુકા પોલીસની હદમાં આવેલા અંકોડિયા નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળી આવતા તાલુકા પોલીસે ગ્રુપમાં મૂકેલા ફોટાનાં ચહેરો મળતો આવતો હોવાથી તાલુકા પોલીસે ગોરવા પોલીસને યુવાનનો મૃતદેહ મળ્યો હોવાની જાણ કરી હતી.
જેથી, ગોરવા પોલીસે મોહમ્મદ સલીમની ઓળખ કરી મૃતદેહનો કબજો મેળવ્યો હતો. તે બાદ તેના પરિવારજનોને બોલાવી કાયદેસરની કાર્યવાહી સાથે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જોકે, મોહમ્મદ સલીમ કયા કારણોસર કેનાલમાં આપઘાત કર્યો કે અન્ય કોઈ કારણ છે, તે રહસ્ય અકબંધ રહ્યું છે.