- શિનોર પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો
વડોદરાના શિનોર તાલુકા નજીક સેજપુરા ગામના 3 દિવસથી ગુમ થયેલા 22 વર્ષીય યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. યુવાનનો મૃતદેહ કુકશ અને સીમળી ગામ વચ્ચેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી ડી કમ્પોઝ થઇ હાલતમાં મળી આવ્યો હતો. ગુમ થયેલા યુવાનનો રહસ્યમય રીતે નર્મદા કેનાલમાંથી મૃતદેહ જોવા લોકોને ટોળા ઉમટી પડ્યા હતા. હાલ તો સમગ્ર મામલે શિનોર પોલીસે તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર શિનોર તાલુકાના સેજપુરા ગામનો 22 વર્ષીય રાકેશ વસાવા છેલ્લા ત્રણ દિવસથી ઘરે કોઈને કઈ પણ કહ્યા વગર ચાલ્યો ગયો હતો. જેથી પરિવારજનો દ્વારા તેની શોધખોળ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન કુકશ અને સીમળી ગામ વચ્ચેથી પસાર થતી અમરેશ્વર બ્રાન્ચની નર્મદા કેનાલમાંથી રાકેશ વસાવાનો ડી કમ્પોઝ થયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. કેનાલમાંથી મૃતદેહ માની વાત વાયુવેગે પ્રસરી જતા લોકોના ટોળા કેનાલ ખાતે ઉમટી પડ્યા હતા.
આ દરમિયાન બનાવ અંગેની જાણ શિનોર પોલીસે કરાતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને સ્થાનિક તરવૈયાઓની મદદથી ડી કમ્પોઝ થઇ ગયેલા રાકેશ વસાવાના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. મૃતકના પરિવારજનોને ઘટના અંગે જાણ કરવામાં આવતા પરિવારજનો દોડી આવ્યા હતા. જ્યાં પરિવારજનોના આંક્રદથી સન્નાટો વ્યાપી ગયો હતો. ગુમ થયા બાદ રહસ્યમય રીતે મોતને ભેટેલા રાકેશ વસાવાના મોતનું ચોક્કસ કારણ શોધવા માટે પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.