બીલ ગામે વુડાના આવાસો તૈયાર છતાં લોકાર્પણની રાહ જોતા તંત્રના કારણે લાભાર્થીઓને કબજાે સોંપાતો નથી

વુડાના તંત્રના કારણે લાભાર્થીઓને લોનના હપ્તા અને ભાડું બંને ચૂકવવાનો વારો આવ્યો

MailVadodara.com - Bill-Village-Wooda-housings-are-ready-but-not-handed-over-to-the-beneficiaries-due-to-the-system-awaiting-launch

- ૧૫૦ જેટલા લાભાર્થીઓએ વુડા ઓફિસે ધસી જઇ ઉગ્ર રજૂઆત કરી, વુડાએ બે દિવસમાં નિરાકરણ લાવવાની બાંહેધરી આપતા પરત ગયા

વડોદરા નજીક આવેલ બીલ ગામે વુડા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના મકાનો તૈયાર થઇ ગયા બાદ લાંબા સમય સુધી લાભાર્થીઓને કબજો નહી સોંપાતા આખરે મોટી સંખ્યામાં લાભાર્થીઓએ વુડા ઓફિસમાં આવી હોબાળો મચાવ્યો હતો. પ્રધાનમંત્રી અથવા મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ થાય તેની રાહ જોતા વુડાના તંત્રના કારણે લાભાર્થીઓને લોનના હપ્તા અને ભાડું બંને ચૂકવવાનો વારો આવ્યો છે.

આ અંગેની વિગત એવી છે કે બીલ પાસે બાન્કો કંપનીની પાછળના ભાગે વુડા દ્વારા આર્થિક રીતે નબળા લોકો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૫૩૨ ઇડબલ્યુએસ મકાનોની સ્કીમ વર્ષ-૨૦૧૯માં મૂકાઇ  હતી અને આવાસોનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. આ સ્કીમ હેઠળ લાભાર્થીઓની પસંદગી ડ્રો સિસ્ટમ દ્વારા કરાઇ હતી. ૫૩૨ આવાસોના લાભાર્થીઓને લોનની રકમના રૂા.૫ હજાર હપ્તા પણ શરૂ થઇ ગયા છે. થોડા મહિના પહેલાં જ સમગ્ર પ્રોજેક્ટ તૈયાર થતા સાફ-સફાઇ પણ થઇ ગઇ છે. ૯૫ ટકા લાભાર્થીઓના દસ્તાવેજો પણ થઇ ગયા છે અને હવે લાભાર્થીઓ પોતાના હાથમાં ચાવી આવે તેની રાહ જોઇને બેઠા છે.

બીલ ખાતેના આ પ્રોજેક્ટમાં જે લાભાર્થીઓને આવાસ મળ્યા છે તેઓ હાલ ભાડાના મકાનમાં રહે છે તેમજ લોનના હપ્તા પણ ચાલુ થઇ ગયા છે. આમ બેવડો આર્થિક બોજ પડી રહ્યો છે. આવાસો તૈયાર થઇ ગયા હોવા છતાં કોઇ મહાનુભાવ દ્વારા લોકાર્પણ થાય તેની રાહ જોતા તંત્રના કારણે લાભાર્થીઓને સહન કરવાનો વારો આવ્યો છે. છેલ્લા ત્રણ માસથી લાભાર્થીઓ પોતાને આવાસ મળે તેવી માંગણી કરી રહ્યા છે પરંતુ આવાસોનો કબજો સોંપાતો નથી. આજે ૧૫૦ જેટલા લાભાર્થીઓનું ટોળું વુડા ઓફિસ ખાતે ઘસી ગયું હતું અને ઉગ્ર રજૂઆત કરી હતી. વુડા દ્વારા લાભાર્થીઓને બે દિવસમાં પ્રશ્નનું નિરાકરણ આવશે, તેવી બાંહેધરી અપાતા લાભાર્થીઓ પરત ગયા  હતાં.

Share :

Leave a Comments