વડોદરા જિલ્લાના સાવલી-હાલોલ રોડ ઉપર શેરપુરા ગામ પાસે ડમ્પરની અડફેટે આવી ગયેલા બાઇક ચાલકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યુ મોત નીપજયું હતું. ઘટનાસ્થળે સ્થાનિક લોકો દોડી આવે તે પહેલાં ડમ્પરચાલક ડમ્પર સ્થળ ઉપર મૂકી ફરાર થઇ ગયો હતો. બાઇકચાલક સાવલી EMI ભરવા જઇ રહ્યા હતા. આ બનાવ અંગે સાવલી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
મળેલી માહિતી પ્રમાણે, સાવલી તાલુકાના વડીયા ગામના શૈલેષભાઇ રામજીભાઇ વસાવા (ઉં.વ.45) બાઇક લઇ સાવલી લોન ભરવા જઇ રહ્યા હતા. દરમિયાન શેર પુરા પાસે ડમ્પરની અડફેટે આવી જતાં ઘટનાસ્થળે કમકમાટીભર્યુ મોત નીપજયું હતું.
અકસ્માતના પગલે રસ્તા ઉપર લોક ટોળું ઉમટી પડ્યું હતું. તે સાથે આ બનાવની જાણ સાવલી પોલીસને થતાં તે પણ પહોંચી ગઇ હતી અને મૃતક શૈલેષભાઇ વસાવાના મૃતદેહનો કબજો લઇ કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવે પંથકમાં ગમગીની ફેલાવી દીધી હતી. આ બનાવ અંગે સાવલી પોલીસે સ્થળ પરથી ડમ્પર કબજે કરી ફરાર ડમ્પરચાલકની શોધખોળ હાથ ધરી છે.