- બાઇકચાલક ભત્રીજાનું માથું ફાટી જતાં સારવાર દરમિયાન મોત નીપજ્યું
- કાકાને ઇજા પહોંચતા સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
શહેર નજીક પદમલા ગામ પાસે બ્રિજ ઉપર કાકા-ભત્રીજા સવાર બાઇકને પુરપાટ પસાર થઇ રહેલા અજાણ્યા વાહન ચાલકે અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં બાઇક ચાલક ભત્રીજાનું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે કાકાને ઇજા પહોંચતા સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે છાણી પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
મળેલી માહિતી પ્રમાણે શહેરના ગોરવા વિસ્તારમાં આવેલ દશામાં મંદિર પાસે રહેતા અને મૂળ રાજસ્થાનના 41 વર્ષીય નરસેંગ રામસેંગ ગરાસીયા અને તેમનો ભત્રીજો સુભાષ પથીગભાઈ કટારા (ઉં.વ.29) મોટર સાઇકલ પર સાંકરદા ખાતે મજૂરી કામે ગયા હતા. કાકા-ભત્રીજો મજૂરી કામ પૂર્ણ થયા બાદ ઘરે જઇ રહ્યા હતા.
દરમિયાન, પદમલા બ્રિજથી મીની નદી તરફ જતાં સર્વિસ રોડ પાસે કોઇ અજાણ્યા વાહન ચાલકે કાકા-ભત્રીજા સવાર મોટર સાઇકલને ટક્કર મારતા કાકા-ભત્રીજા હવામાં ફંગોળાઈ રોડ ઉપર પટકાયા હતા. અજાણ્યા વાહનની ટક્કરથી રોડ ઉપર પટકાયેલા કાકા-ભત્રીજા પૈકી બાઇક ચાલક સુભાષને માથાના પાછળના ભાગે વાગતા તેનુ માથું ફાટી ગયું હતું. આ બનાવને પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ગંભીર ઇજા પામેલા કાકા-ભત્રીજાને 108 બોલાવી સયાજી હોસ્પિટલ ખાતે રવાના કર્યા હતા. જ્યાં બાઇક ચાલક ભત્રીજાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
આ બનાવ અંગે ગંભીર ઇજા પામેલા કાકા નરસેંગ રામસેંગ કટારીયાએ છાણી પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. છાણી પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યાવાહી હાથ ધરી છે. આ બનાવે વિસ્તારમાં ગમગીની ફેલાવી દીદી હતી.